ભુજમાં UGC-NET પરીક્ષા માટે કડક નિયમો, કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ પર પ્રતિબંધ

કચ્છમાં UGC-NET JUNE-2026 પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્રે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. ભુજ સ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના પરીક્ષા કેન્દ્રની આસપાસ 200 મીટરના વિસ્તારમાં કડક નિયંત્રણો લાગુ રહેશે.

9 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી નિયમો લાગુ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાના આદેશ મુજબ 9 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યાથી 10 સપ્ટેમ્બરના રાત્રે 8 વાગ્યા સુધી પ્રતિબંધો અમલમાં રહેશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ પાંચથી વધુ લોકોના એકઠા થવા, સરઘસ અને સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર રોક

ગેરરીતિ અટકાવવા માટે 200 મીટરના વિસ્તારમાં નીચેના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે:

  • મોબાઈલ ફોન અને સ્માર્ટવોચ
  • બ્લૂટૂથ અને ઇયરફોન
  • લેપટોપ
  • પેન કેમેરા
  • ઇન્ટરનેટ સાથે જોડાયેલા અન્ય ઉપકરણો
  • કોપી મશીન

કોપી મશીનના સંચાલકોએ પણ આ સમયગાળા દરમિયાન મશીન બંધ રાખવાનું રહેશે. જાહેર સ્થળે મોટા અવાજે સંગીત વગાડવા પર પણ રોક રહેશે.

પ્રવેશ પહેલાં સઘન ચકાસણી

પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વારે પોલીસ બંદોબસ્ત રહેશે. પ્રવેશિકા અને ઓળખની ચકાસણી બાદ જ પરીક્ષાર્થીને પ્રવેશ આપવામાં આવશે. અધિકારીઓ, નિરીક્ષકો અને ફરજ પરના કર્મચારીઓની પણ અધિકૃત ઓળખપત્ર બાદ ચકાસણી થશે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પોલીસને નિયમોનો અમલ કરાવવા અને ભંગના કિસ્સામાં કાયદેસર પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें