દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે મળેલી I.N.D.I.A. બ્લોકની મહત્ત્વપૂર્ણ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરી દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.
આશરે ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં ૨૦ જેટલા વિપક્ષી દળોના નેતાઓ સામેલ થયા હતા. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ સરકારની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની તેમજ વોટર લિસ્ટમાં પારદર્શિતા લાવવાની માંગ કરી હતી.
સરકાર અને ચૂંટણી પંચને ઘેરવા માટે વિપક્ષનો એક્શન પ્લાન અને મુખ્ય વિગતો:
-
૨થી ૮ ઓક્ટોબર: દેશના દરેક જિલ્લા સ્તરે ‘લોકશાહી બચાવો માર્ચ’ યોજાશે અને કલેક્ટર (DM) ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાશે.
-
૬ ઓક્ટોબર: વિપક્ષી ગઠબંધનના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો દિલ્હીમાં ચૂંટણી પંચ (ECI) સુધી પદયાત્રા/માર્ચ કરશે.
-
રાષ્ટ્રપતિને રજૂઆત: ઓક્ટોબરના બીજા અઠવાડિયે વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળીને આવેદનપત્ર સોંપશે, ઉપરાંત દેશભરમાં ૫ મોટી જનરેલીઓ યોજાશે.
-
ગઠબંધનમાં ચર્ચા: શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઝૂમ કોલથી જોડાઈને એકજુટ થઈને સમાન બેનર હેઠળ લડવા ભાર મૂક્યો હતો, જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા.









