ગુજરાત સરકાર સામે હવે શ્રમિકો મેદાને : દિવાળી પહેલા પ્રશ્નો નહીં ઉકેલે તો ઉગ્ર આંદોલન
ગાંધીનગર: ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના પાયામાં મહત્ત્વનું યોગદાન આપનારા રાજ્યના શ્રમિકો, અસંગઠિત ક્ષેત્રના કામદારો, આંગણવાડી વર્કરો અને આશા વર્કરો ભારે આર્થિક શોષણ, કાળઝાળ મોંઘવારી અને કામના બોજ વિરુદ્ધ સરકાર સામે મેદાને પડ્યા છે. ટ્રેડ યુનિયનો અને વિવિધ કામદાર સંગઠનો દ્વારા સરકારને સ્પષ્ટ અને આખરી ચીમકી આપવામાં આવી છે કે જો દિવાળીના તહેવાર પૂર્વે તેમના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક અને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
શ્રમિકોની સમસ્યાઓ અને આંકડાકીય વિગતો:
-
અસંગઠિત ક્ષેત્ર અને પરપ્રાંતીય શ્રમિકો: રાજ્યમાં ૧ કરોડ ૧૮ લાખથી વધુ કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. નોંધાયેલી ૪૭,૭૬૨ ફેક્ટરીઓમાં ૨૪ લાખ કર્મચારીઓ કામ કરે છે, જ્યારે ઔદ્યોગિક વસાહતોમાં ૩૦થી ૪૦ લાખ પરપ્રાંતીય શ્રમિકો અત્યંત કપરી સ્થિતિમાં રોજગારી મેળવવા મજબૂર બન્યા છે.
-
કરાર આધારિત નીતિ અને કાયમી ભરતીમાં ઘટાડો:
-
વર્ષ ૨૦૧૮માં ફિક્સ પગારદારોની સંખ્યા ૨ લાખ હતી, જે વધીને ૨૦૨૫ સુધીમાં ૩.૫૦ લાખ થઈ છે.
-
કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓ ૨૦૨૨માં ૬ લાખથી વધીને ૨૦૨૫માં ૬.૫૦ લાખે પહોંચ્યા છે, જેની સામે કાયમી કર્મચારીઓની સંખ્યામાં ૩૦ ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
-
૧,૨૦,૫૪૦ આંગણવાડી વર્કરો, ૪૭,૮૧૭ હેલ્પરો અને ૪૪,૦૦૦ આશા વર્કરો અત્યંત અલ્પ વેતનમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
-
-
૧૨ કલાકનું કામ અને વેતન શોષણ: શ્રમિકો પાસે નિયમ મુજબના ૮ કલાકના બદલે ૧૨-૧૨ કલાક સુધી કામ કરાવવામાં આવે છે, છતાં તેમને પૂરા ૮ કલાકનું લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું નથી.
-
રોજગારી પર સંકટ અને વતન પલાયન: વીજકાપ, ગેસની તંગી અને આર્થિક મંદીના કારણે હજારો શ્રમિકોએ રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે, જેના પરિણામે મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.
-
દિવાળી પૂર્વે ઉગ્ર આંદોલનની તૈરારી: આર્થિક કટોકટીના કારણે રાજ્યના અંદાજે ૨.૫૦ કરોડ શ્રમિક પરિવારજનો માટે દિવાળીનો તહેવાર ઉજવવો મુશ્કેલ બન્યો છે. સરકારે ત્વરિત હસ્તક્ષેપ કરીને માંગણીઓ ન સ્વીકારી તો રાજ્યવ્યાપી આંદોલન છેડવાની કામદાર સંગઠનોએ ચીમકી આપી છે.









