દેશના દુશ્મનોને ઓળખી સાથે મળી સામનો કરવો પડશે : પીએમ મોદી
નવી દિલ્હી: દેશભરમાં દશેરાની પવિત્ર પર્વે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વીય દિલ્હીના આઈપી એક્સટેન્શન ખાતે યોજાયેલા દશેરા સમારંભમાં સહભાગી થઈને રાવણ દહન કર્યું હતું. આ અવસરે તેમણે દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા દેશ સામેના પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રીય એકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડનારી શક્તિઓ અને સમાજને વિભાજિત કરનારા તત્વોને ઓળખીને સૌએ સાથે મળીને તેનો મુકાબલો કરવો પડશે.
પીએમ મોદીના સંબોધનની મુખ્ય વિગતો:
-
અધર્મ પર ધર્મની જીત: વિજયાદશમી એ અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. પ્રભુ શ્રીરામનો આદર્શ જણાવતા તેમણે કહ્યું કે સત્તાનો આશય માત્ર શાસન કરવાનો નહીં, પરંતુ લોકકલ્યાણનો હોવો જોઈએ.
-
રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ: પીએમ મોદીએ આહ્વાન કર્યું કે આપણા વિચારો સમાન હોવા જોઈએ અને દેશના તમામ રાજકીય પક્ષો તથા સંસ્થાઓએ રાષ્ટ્રીય હિત માટે એક મંચ પર ઊભા રહેવું જોઈએ. દેશના શત્રુઓને ઓળખીને ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે આગળ વધવું પડશે.
-
સાંસ્કૃતિક વિરાસતનું પુનરાગમન: વર્ષોથી વિદેશોમાં જતી રહેલી આપણી પ્રાચીન ધરોહરોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે ૬૫૦થી વધુ પ્રાચીન મૂર્તિઓ અને વિરાસત સફળતાપૂર્વક પાછી મેળવી છે. ભારત આજે પોતાના સાંસ્કૃતિક કેન્દ્રોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે.
-
શ્રીરામના આદર્શો અને રામરાજ્ય: દેશનો ખૂણે-ખૂણો આજે રામમય છે. પ્રભુ શ્રીરામે માનવતાના ઇતિહાસમાં સર્વોત્તમ આદર્શો સ્થાપિત કર્યા છે, જેને સુશાસનનો સાચો માપદંડ ગણવામાં આવે છે. ‘રામરાજ્ય’ એટલે એવું શાસન જ્યાં કોઈ ભેદભાવ ન હોય, સૌને ન્યાય અને સમાન તકો મળે તેમજ જનકલ્યાણ સર્વોપરી હોય.









