મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા ગોધની વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. ઝેરી ગેસ હવામાં પ્રસરતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને શ્વાસોશ્વાસની તીવ્ર તકલીફ થવાના કારણે 40 થી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
40 લોકો હોસ્પિટલમાં દાખલ, 4થી 5 દર્દીઓની હાલત નાજુક
-
લીકેજની ઘટના: ગોધની નગર પંચાયત સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અચાનક ક્લોરીન વાયુનું ગળતર શરૂ થયું હતું.
-
અસરગ્રસ્તો: પ્લાન્ટના 8 થી 10 કર્મચારીઓ અને આસપાસના 20 થી 25 સ્થાનિક રહીશો સહિત 40 લોકોને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવા લાગી હતી.
-
ICUમાં સારવાર: ગંભીર અસર પામેલા 4 થી 5 દર્દીઓની સ્થિતિ અત્યંત નાજુક જણાતાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે.
તંત્ર એક્શન મોડમાં: રેસ્ક્યૂ કામગીરી અને તપાસ શરુ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ટીમ દ્વારા ક્લોરિન ગેસ લીકેજને નિયંત્રણમાં લેવામાં આવ્યું હતું અને આસપાસના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ વહીવટી તંત્ર દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી કરુણ ઘટના: અમરાવતીની હોસ્પિટલમાં આગ લાગતાં 3 નવજાત બાળકોના મોત
નાગપુરની ઘટના પૂર્વે મહારાષ્ટ્રના અમરાવતીની જિલ્લા હોસ્પિટલના ચાઇલ્ડ વોર્ડમાં વેન્ટિલેટર બ્લાસ્ટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ શમી તે પહેલાં જ સારવાર હેઠળ રહેલા 3 નવજાત શિશુઓના કરૂણ મોત નીપજ્યા હતા.









