તહેવારોના સમયે જ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. 15 દિવસ પહેલાં ₹35થી ₹40 પ્રતિ કિલો મળતી ડુંગળી હવે વધારા સાથે ₹60થી ₹70 પ્રતિ કિલો વેચાઈ રહી છે, જેમાં હજુ પણ ₹15થી ₹20નો વધારો થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાક પલળી જતાં પુરવઠો ઘટી ગયો છે, જેનાથી હોલસેલ ભાવ પણ ₹40થી ₹50 પ્રતિ કિલો પહોંચી ગયા છે.
અમદાવાદ: 3 મહિના સુધી અછત રહેવાની શક્યતા
-
કમોસમી વરસાદની અસર: અમદાવાદ APMCના વેપારી અમરજીતના જણાવ્યા મુજબ માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદના કારણે 25% માલ ખેતરોમાં જ બગડી ગયો હતો, જ્યારે 25% તાત્કાલિક કાઢવો પડ્યો હતો.
-
પુરવઠામાં 50%નો કાપ: વેપારી અનવરભાઈના મતે હાલમાં 4 ગાડીના બદલે માત્ર 2 જ ગાડી માલ મળે છે. નવો પાક 3 મહિના પછી આવશે ત્યાં સુધી આ અછત અને ઊંચા ભાવ જળવાઈ રહેશે.
રાજકોટ: નાસિકની ડુંગળી પર નિર્ભરતા અને મણે ₹1000 ભાવ
-
સ્થાનિક પાક નિષ્ફળ: જયુબેલી શાકમાર્કેટના વેપારી સલીમભાઈ અને હુસેનભાઈએ જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં સ્થાનિક પાક ફેલ થતાં રાજકોટ સંપૂર્ણપણે નાસિક પર નિર્ભર બન્યું છે.
-
ભાવ બેગણા થયા: 1 મણ ડુંગળીના ભાવ ₹500થી વધીને ₹1000 થઈ ગયા છે. ગ્રાહક રાજેશભાઈના જણાવ્યા મુજબ રોજીંદા ખોરાક સમાન ડુંગળી મોંઘી થતાં સામાન્ય જનતાનું તહેવારોનું બજેટ સંપૂર્ણ ખોરવાયું છે.
સુરત: પિંપલગાંવ માર્કેટની અસર અને અડધો કિલો ખરીદવાની મજબૂરી
-
જથ્થાબંધ ભાવમાં ઉછાળો: સુરત APMCના વેપારી બાબુ શેખના જણાવ્યા અનુસાર દેશની મોટી ડુંગળી માર્કેટ પિંપલગાંવમાં ભાવ ₹4000-4500 પ્રતિ ક્વિન્ટલ પહોંચતા સુરતમાં મણનો ભાવ ₹800થી ₹1000 થયો છે.
-
ગ્રાહકોની મજબૂરી: છૂટક માર્કેટમાં ભાવ ખૂબ ઊંચા હોવાથી જે લોકો પહેલા 1 કિલો ખરીદતા હતા તેઓ હવે માત્ર 500 ગ્રામથી કામ ચલાવી રહ્યા છે.
વડોદરા: ઘરનું બજેટ અસ્તવ્યસ્ત
-
મોંઘવારીની ગંભીર અસર: વડોદરામાં ડુંગળી ₹60થી ₹65 પ્રતિ કિલો વેચાઈ રહી છે.
-
ગ્રાહકોનો રોષ: ગ્રાહક કિશનસિંગે વ્યથા ઠાલવતાં કહ્યું કે મોંઘવારીના કારણે સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને આખા મહિનાનું કૌટુંબિક બજેટ ખોરવાઈ ગયું છે.









