રૂ. 23,000 કરોડનો ટ્રાફિક દંડ બાકી, ઈ-ચલાન નહીં ભરનારા વાહનો જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

દેશભરમાં લાંબા સમયથી બાકી બોલતા ટ્રાફિક ઈ-ચલણના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે ટ્રાફિક પોલીસ અચાનક ચેકિંગ હાથ ધરીને બાકી દંડ ધરાવતા વાહનોને તાત્કાલિક જપ્ત કરે.

કોર્ટમાં રજૂ કરાયેલા આંકડા મુજબ જારી કરાયેલા ₹૪૯,૧૯૪.૦૫ કરોડના ઈ-ચલણમાંથી ₹૨૩,૦૧૯ કરોડનો દંડ વસૂલવાનો બાકી છે. એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સરકારની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે અદાલતો મારફતે દંડ વસૂલવાની પરંપરાગત પદ્ધતિ હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે, તેથી જમીની સ્તરે કડક પગલાં અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય નિર્દેશો અને આકરાં પગલાં:

  • ડિજિટલ સેવાઓ પર રોક: જૂનો દંડ ન ભરાય ત્યાં સુધી પરિવહન પોર્ટલ પર વાહનની RC રિન્યૂ કરવા, ડુપ્લિકેટ દસ્તાવેજો મેળવવા કે સરનામું બદલવા જેવી સુવિધાઓ સ્થગિત રહેશે.

  • PUC, ફિટનેસ અને વેચાણ પ્રતિબંધ: બાકી દંડ વાળા વાહનોને ફિટનેસ કે PUC સર્ટિફિકેટ નહીં મળે અને વાહનને બ્લેકલિસ્ટ કરાશે જેથી તેની માલિકી ટ્રાન્સફર કે વેચાણ શક્ય બનશે નહીં. વારંવાર નિયમભંગ કરનારના લાયસન્સ રદ થશે.

  • AI ટેકનોલોજી અને પબ્લિક ડેશબોર્ડ: ઈ-તપાસ વ્યવસ્થામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ઉમેરી ૧૨ પ્રકારના ટ્રાફિક નિયમભંગો આપમેળે પકડવામાં આવશે. મંત્રાલય દર મહિને અપડેટ થતું ઓનલાઈન જાહેર ડેશબોર્ડ પણ શરૂ કરશે.

સુપ્રીમ કોર્ટે રાજ્યોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ નિર્દેશો માત્ર કાગળ પર રહેશે, તો આદેશનું અનાદર કરનારા સત્તાવાળાઓ સામે કોર્ટ સખત આકરી કાર્યવાહી હાથ ધરશે.

Leave a Comment

और पढ़ें