દુબઈથી ઈઝરાયલ (તેલ અવીવ) જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં ૩૩ હજાર ફીટની ઊંચાઈએ બનેલી લોહિયાળ ઘટનામાં ૧૭૪ મુસાફરોને મોતના મુખમાંથી બચાવનાર ૫ નાયકોની બહાદુરી સામે આવી છે. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ઓમાની કો-પાયલટે ક્રાશ એક્સ (કુહાડી) અને છરી વડે હિંસક હુમલો કરી વિમાનને નીચલી દિશામાં ધકેલી દીધું હતું. ગંભીર ઈજાઓ છતાં કેપ્ટને કોકપિટનો દરવાજો ખોલી આપતાં મુસાફરોએ અંદર ઘૂસીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો.
ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છર હાલ સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે કોકપિટમાં ઘૂસીને મદદ કરનાર ચાર ઈઝરાયલી મુસાફરોના સમયસૂચક અને સાહસિક પ્રયાસોથી મોટી દુર્ઘટના ટળાઈ હતી.
સાહસિક કામગીરી કરનાર ૪ મુસાફરોનું યોગદાન:
-
યાનિવ હાયુન (પ્લમ્બર): કોકપિટમાં પહોંચી હુમલાખોરનું ગળું દબાવી કંટ્રોલ સિસ્ટમથી દૂર કર્યો અને ટિલ્ટ થયેલા વિમાનને પાછું સીધું કર્યું.
-
અસફ રાજુઆન (બિઝનેસમેન): વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું ત્યાં સુધી સળંગ ૫૦ મિનિટ સુધી હુમલાખોરને ફર્શ પર દબાવી રાખ્યો.
-
ઝ્વિકા મેનેસ (બેન્કર): હુમલાખોરને શારીરિક બળથી રોકીને પ્લેનમાં રહેલા મલ્ટીમીડિયા હેડફોનના વાયર વડે મજબૂતીથી બાંધી દીધો.
-
ડૉ. શોતા મુસાએવ (ડેન્ટિસ્ટ): લોહીલુહાણ હાલતમાં પડેલા કેપ્ટન સ્મિત મચ્છરનો રક્તસ્ત્રાવ સમયસર અટકાવી લેન્ડિંગ સુધી તેમની સ્થિતિ સ્થિર રાખી.
આ પાંચેય નાયકોની સમયસૂચકતા અને અદભુત હિંમતના કારણે જ ૧૭૪ મુસાફરો સુરક્ષિત રીતે જમીન પર ઉતરી શક્યા હતા.









