બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વડોદરામાં રાજધાની ટ્રેક પર તમામ 14 પોર્ટલ બીમનું જટિલ એન્જિનિયરિંગ કામ પૂર્ણ
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વડોદરા ક્ષેત્રમાં એન્જિનિયરિંગનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને પડકારજનક તબક્કો સફળતાપૂર્વક પાર કર્યો છે. દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ રાજધાની મેઈન લાઈનના રેલવે ટ્રેક પર તમામ ૧૪ પોર્ટલ બીમ સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે બુલેટ ટ્રેન કોરિડોરના વાયાડક્ટને જોડવાની કામગીરીને મોટી ગતિ મળશે.
પડકારજનક રૂટ અને એન્જિનિયરિંગ વિગતો:
-
જટિલ રૂટ અને ક્રોસિંગ: વડોદરામાંથી પસાર થતો બુલેટ ટ્રેનનો આ ભાગ અંદાજે ૮.૩ કિલોમીટર લાંબો છે, જે ગીચ વસ્તી અને અત્યંત વ્યસ્ત રેલવે નેટવર્ક વચ્ચેથી પસાર થાય છે. અહીં બુલેટ ટ્રેનનો ટ્રેક ભારતીય રેલવેની મુખ્ય ૨ લાઈનો સહિત કુલ ૫ રેલવે લાઈનોને ત્રાંસી (ડાયાગોનલી) રીતે ક્રોસ કરે છે.
-
પોર્ટલ બીમની ગોઠવણી: દિલ્હી-મુંબઈ રાજધાની લાઈન પર તૈયાર કરાયેલા ૧૪ પોર્ટલ બીમમાંથી ૧૦ બીમ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન અને વિશ્વામિત્રી સ્ટેશન વચ્ચે તથા ૪ બીમ વડોદરા સ્ટેશન અને છાયાપુરી રેલવે સ્ટેશન વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યા છે.
-
૧૫૦૦ ટન વજન ધરાવતા બીમનું સ્થળ પર કાસ્ટિંગ: જગ્યાની અછત અને સતત ચાલુ રેલવે વાહનવ્યવહારના કારણે પ્રીકાસ્ટ લોન્ચિંગ શક્ય નહોતું. આથી, દરેક ૧૫૦૦ ટન વજન ધરાવતા બીમનું ‘કાસ્ટ ઇન સિટુ’ (સ્થળ પર જ કોંક્રિટ કાસ્ટિંગ) કરીને નિર્માણ કરવામાં આવ્યું છે.
-
આગામી કામગીરી: હવે આ ૧૪ પોર્ટલ બીમના મજબૂત આધાર પર રાજધાની મેઇન લાઇનના ક્રોસિંગ પર અંદાજે ૪૦ મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ મૂકવામાં આવશે તેમજ બાકીના ભાગોમાં સ્પાન-બાય-સ્પાન (SBS) ટેક્નોલોજીથી વાયાડક્ટ તૈયાર કરાશે.
રેલવે વ્યવહારને કોઈ જ ખલેલ પહોંચાડ્યા વિના આ જટિલ કામગીરી પૂર્ણ થતાં બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ માટેનો માર્ગ વધુ સુગમ બન્યો છે.









