રસ્તા પરથી જપ્ત લારી, વાહનો છોડાવવા હવે 3000 રૂપિયા સુધી ચાર્જ, 23 વર્ષ બાદ વધારાનો નિર્ણય
અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર લારી, પાથરણાં અને વાહનોના દબાણોને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં ૨૩ વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં ચાલતા આરએમસી (RMC) પ્લાન્ટ્સ અંગે પણ નવી નીતિ મંજૂર કરાઈ છે.
નવા દરો અને નિર્ણયોની મુખ્ય વિગતો:
-
જપ્ત સામાન છોડાવવાના નવા દરો: રોડ પરથી જપ્ત કરાયેલી હાથલારી, બંધલારી, બળદગાડી, ઊંટગાડી તેમજ શેરડીના સંચા જેવા સામાનને છોડાવવા માટે હવેથી રૂ. ૩,૦૦૦ સુધીનો વહીવટી ચાર્જ ચૂકવવો પડશે.
-
ગોડાઉન ચાર્જમાં પણ વધારો: જપ્ત કરાયેલો સામાન AMCના ગોડાઉનમાં જેટલા દિવસ રહેશે, તેના માટે રોજના હિસાબે અલગથી રૂ. ૧,૫૦૦ સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે.
-
રહેણાંક વિસ્તારના RMC પ્લાન્ટ પર અલ્ટીમેટમ: શહેરમાં કાર્યરત ૫૦થી ૬૦ પૈકી આશરે ૨૦ જેટલા રેડી મિક્સ કોન્ક્રીટ (RMC) પ્લાન્ટ રહેણાંક વિસ્તારમાં ધમધમી રહ્યા છે. પ્રદૂષણ અને સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાને રાખીને આ તમામ ૨૦ પ્લાન્ટ્સને એક મહિનાની અંદર બંધ કરી અન્યત્ર ખસેડવા તાકીદ કરાઈ છે.
-
નવા RMC પ્લાન્ટ માટે કડક નિયમો: હવેથી નવો RMC પ્લાન્ટ શરૂ કરતા પહેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની એનઓસી (NOC) અને સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.









