દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા યોજાનારા ‘લહેરા દો તિરંગા’ કાર્યક્રમને પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે. પક્ષના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની અટકાયત તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ માહોલ વચ્ચે CJP પ્રમુખ અભિજિત દીપકે (Abhijeet Dipke) એ મધરાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષનો પક્ષ રજૂ કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં અભિજિત દીપકેના મુખ્ય નિવેદનો:
-
સત્તા પરિવર્તન નહી, પરંતુ જવાબદારીની માંગ: અભિજિત દીપકેએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો હેતુ સરકાર પાડવાનો કે સત્તા બદલવાનો નથી. તેઓ માત્ર ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગડબડ અને સુપ્રીમ કોર્ટની મંજુરી વિના ફોર્મ-૬માં કરાયેલા ફેરફારો અંગે CEC જ્ઞાનેશ કુમાર પાસેથી જવાબદારી માંગી રહ્યા છે.
-
ગાંધીજી અને બાબાસાહેબના વિચારોનો ઉલ્લેખ: તેમણે ઉમેર્યું કે તેઓ મહાત્મા ગાંધી અને ડો. બી.આર. આંબેડકરના બંધારણીય અને અહિંસક માર્ગે ચાલે છે. ભારતીય નાગરિક તરીકે શાંતિપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ તેમનો અધિકાર છે અને તેને રોકવો અયોગ્ય છે.
દિલ્હી પોલીસનો કડક બંદોબસ્ત અને શરતો:
-
૨૭,૦૦૦થી વધુ જવાનો તૈનાત: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લુટિયન્સ દિલ્હી અને કનૉટ પ્લેસ વિસ્તારમાં અંદાજે ૨૭,૦૦૦ સુરક્ષાકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા ૧૬૩ અમલી બનાવાઈ છે.
-
પોલીસની વૈકલ્પિક મંજૂરી: પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે સખત કાર્યવાહી થશે, પરંતુ જો મર્યાદિત સંખ્યામાં લોકો માત્ર રાષ્ટ્રગીત ગાઈને યોગ્ય ગરિમા સાથે તિરંગો પ્રદર્શિત કરવા માંગતા હોય, તો તેમને ચોક્કસ સ્થાન પર મંજૂરી આપવા વિચારી શકાય છે.









