મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹10.16 કરોડનું હેરોઈન જપ્ત કર્યું, 3 આરોપીઓની સંડોવણી
અમિત રાય, મુંબઈ: મુંબઈ પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અને તેના વેચાણ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-૧૧ દ્વારા બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરીને કુલ 2 કિલો 32 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹૧૦.૧૬ કરોડ હોવાનો અંદાજ છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.
કાર્યવાહી અને જપ્તી અંગેની મુખ્ય વિગતો:
-
પ્રથમ દરોડો (૧૪ ઓક્ટોબર, ૨૦૨૬): ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧ ની ટીમને મળેલી બાતમીના આધારે બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં વોચ ગોઠવીને બે આરોપીઓ પાસેથી ૭૫૮ ગ્રામ હેરોઈન (અંદાજિત કિંમત રૂ. ૩.૭૯ કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું.
-
ત્રીજા આરોપીની ધરપકડ (૧૭ ઓક્ટોબર): અગાઉ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં મળેલી કડીના આધારે પોલીસે વધુ એક રેડ કરીને ત્રીજા આરોપી પાસેથી ૧ કિલો ૨૭૪ ગ્રામ હેરોઈન (અંદાજિત કિંમત રૂ. ૬.૩૭ કરોડ) ઝડપી પાડ્યું હતું.
-
કુલ જથ્થો અને મુદ્દામાલ: આમ, પોલીસ દ્વારા કુલ ૨,૦૩૨ ગ્રામ (૨ કિલો ૩૨ ગ્રામ) હેરોઈન જપ્ત કરાયું છે, જેની કુલ કિંમત ₹૧૦.૧૬ કરોડ થાય છે. આ સાથે પોલીસે ₹૩૦,૦૦૦ ની કિંમતના ૩ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
-
કાયદાકીય કાર્યવાહી: આ પ્રકરણે બોરીવલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮(સી) અને ૨૧(સી) હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
-
અન્ય રાજ્યોની ગેંગની સંડોવણીની શંકા: પ્રારંભિક તપાસમાં આ ડ્રગ નેટવર્ક પાછળ અન્ય રાજ્યોમાં કાર્યરત ડ્રગ ટ્રાફિકિંગ ગેંગ સંડોવાયેલી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ પોલીસ હવે આ સમગ્ર રેકેટના મુખ્ય સપ્લાયર્સ અને અન્ય સંભવિત ખરીદદારો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.









