સુરત અને ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: ₹36 લાખથી વધુનું શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલ જપ્ત

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે (Food & Drugs Department) સુરત અને બનાસકાંઠાના ડીસામાં મોટી કાર્યવાહી કરી છે. વગર લાયસન્સે ચાલતી ફેક્ટરીઓ અને પેઢીઓ પર ત્રાટકેલી ટીમે લાખો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ ઘી અને તેમાં ભેળવવામાં આવતું તેલ જપ્ત કર્યું છે.

સુરતના કામરેજમાં ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ પર દરોડો

  • ગેરકાયદે ફેક્ટરી: કામરેજના ધોરણ પારડી સ્થિત ‘હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ’માં આવેલી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં માલિક લાયસન્સ વગર બહારથી તાળું મારી અંદર નકલી ઘીનું ઉત્પાદન કરતો હતો.

  • ₹26.12 લાખનું ઘી જપ્ત: તંત્ર દ્વારા સ્થળ પરથી ‘શ્રી અનમોલ રતન કાઉ ઘી’ ના બ્રાન્ડ નેમ હેઠળ પેક કરાયેલું 5,157 લીટર (કિંમત ₹26.12 લાખ) શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું છે.

  • ભેળસેળ માટેનું તેલ કબ્જે: ઘીમાં ભેળસેળ કરવા માટે રાખવામાં આવેલું ₹3.63 લાખની કિંમતનું પામોલીન તેલ (1,485 કિગ્રા) અને સોયાબીન તેલ (285 કિગ્રા) પણ ઝડપી પાડવામાં આવ્યું છે.

ડીસામાં પણ 987 લીટર શંકાસ્પદ ઘી સીઝ કરાયું

  • પાલનપુર ટીમની કાર્યવાહી: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ ટીમે ડીસા ખાતે વિવિધ પેઢીઓમાં દરોડા પાડ્યા હતા.

  • મુદ્દામાલ જપ્ત: ચકાસણી દરમિયાન શંકાસ્પદ જણાતાં 987 લીટર ઘી (અંદાજિત કિંમત ₹6.22 લાખ) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

કડક કાનૂની કાર્યવાહીની ખાતરી

તમામ સ્થળોએથી ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006’ હેઠળ સેમ્પલ લઈને લેબોરેટરી ચકાસણી અર્થે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें