ડુંગળીના ભાવમાં ₹20થી 25નો વધારો, હજી વધુ મોંઘી થશે: બે મહિના સુધી માર સહન કરવો પડી શકે, લોકોએ કહ્યું- ખાંડ પછી હવે ડુંગળી રડાવી રહી છે

તહેવારોના સમયે જ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. 15 દિવસ પહેલાં ₹35થી ₹40 પ્રતિ કિલો મળતી ડુંગળી હવે વધારા સાથે ₹60થી ₹70 પ્રતિ કિલો વેચાઈ રહી છે, જેમાં હજુ પણ ₹15થી ₹20નો વધારો થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાક પલળી જતાં પુરવઠો ઘટી ગયો છે, જેનાથી હોલસેલ ભાવ પણ ₹40થી ₹50 પ્રતિ કિલો પહોંચી ગયા છે.

અમદાવાદ: 3 મહિના સુધી અછત રહેવાની શક્યતા

  • કમોસમી વરસાદની અસર: અમદાવાદ APMCના વેપારી અમરજીતના જણાવ્યા મુજબ માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદના કારણે 25% માલ ખેતરોમાં જ બગડી ગયો હતો, જ્યારે 25% તાત્કાલિક કાઢવો પડ્યો હતો.

  • પુરવઠામાં 50%નો કાપ: વેપારી અનવરભાઈના મતે હાલમાં 4 ગાડીના બદલે માત્ર 2 જ ગાડી માલ મળે છે. નવો પાક 3 મહિના પછી આવશે ત્યાં સુધી આ અછત અને ઊંચા ભાવ જળવાઈ રહેશે.

રાજકોટ: નાસિકની ડુંગળી પર નિર્ભરતા અને મણે ₹1000 ભાવ

  • સ્થાનિક પાક નિષ્ફળ: જયુબેલી શાકમાર્કેટના વેપારી સલીમભાઈ અને હુસેનભાઈએ જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં સ્થાનિક પાક ફેલ થતાં રાજકોટ સંપૂર્ણપણે નાસિક પર નિર્ભર બન્યું છે.

  • ભાવ બેગણા થયા: 1 મણ ડુંગળીના ભાવ ₹500થી વધીને ₹1000 થઈ ગયા છે. ગ્રાહક રાજેશભાઈના જણાવ્યા મુજબ રોજીંદા ખોરાક સમાન ડુંગળી મોંઘી થતાં સામાન્ય જનતાનું તહેવારોનું બજેટ સંપૂર્ણ ખોરવાયું છે.

સુરત: પિંપલગાંવ માર્કેટની અસર અને અડધો કિલો ખરીદવાની મજબૂરી

  • જથ્થાબંધ ભાવમાં ઉછાળો: સુરત APMCના વેપારી બાબુ શેખના જણાવ્યા અનુસાર દેશની મોટી ડુંગળી માર્કેટ પિંપલગાંવમાં ભાવ ₹4000-4500 પ્રતિ ક્વિન્ટલ પહોંચતા સુરતમાં મણનો ભાવ ₹800થી ₹1000 થયો છે.

  • ગ્રાહકોની મજબૂરી: છૂટક માર્કેટમાં ભાવ ખૂબ ઊંચા હોવાથી જે લોકો પહેલા 1 કિલો ખરીદતા હતા તેઓ હવે માત્ર 500 ગ્રામથી કામ ચલાવી રહ્યા છે.

વડોદરા: ઘરનું બજેટ અસ્તવ્યસ્ત

  • મોંઘવારીની ગંભીર અસર: વડોદરામાં ડુંગળી ₹60થી ₹65 પ્રતિ કિલો વેચાઈ રહી છે.

  • ગ્રાહકોનો રોષ: ગ્રાહક કિશનસિંગે વ્યથા ઠાલવતાં કહ્યું કે મોંઘવારીના કારણે સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને આખા મહિનાનું કૌટુંબિક બજેટ ખોરવાઈ ગયું છે.

Leave a Comment

और पढ़ें