સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં રાજકોટનો દબદબો, 15માંથી 7મા ક્રમે પહોંચ્યું; બે વોર્ડ પણ ટોપ-3માં

‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026’માં રાજકોટ શહેરે નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે. ગત વર્ષે 15મા ક્રમે રહેલું રાજકોટ આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે 7મા ક્રમે પહોંચ્યું છે. જ્યારે રાજ્ય કક્ષાના વોર્ડ સર્વેક્ષણમાં વોર્ડ નં. 2 બીજા અને વોર્ડ નં. 5 ત્રીજા ક્રમે રહ્યા છે.

વોર્ડ નં. 2 અને 5ને લાખોનું ઇનામ

નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 48 શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકોટના બે વોર્ડની કામગીરીને પણ માન્યતા મળી છે.

  • વોર્ડ નં. 2 : ₹15 લાખનું ઇનામ
  • વોર્ડ નં. 5 : ₹10 લાખનું ઇનામ
  • રાજકોટ શહેર : રાષ્ટ્રીય સ્તરે 7મો ક્રમ

225 બસો હવે ડીઝલમુક્ત

હવાની ગુણવત્તા સુધારવા રાજકોટ મનપા દ્વારા ક્લીન-ફ્યુઅલ પરિવહન સહિત વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં હાલમાં 125 ઇલેક્ટ્રિક અને 100 CNG સહિત 225 બસો કાર્યરત છે. ઇલેક્ટ્રિક બસો માટે 110 ચાર્જિંગ પોઇન્ટ પણ તૈયાર કરાયા છે.

‘રાજકોટ RECON’ ડેશબોર્ડ દ્વારા 18 વોર્ડમાં પ્રદૂષણના સ્ત્રોત ઓળખી કામગીરી કરવામાં આવી રહી છે. બાંધકામ કચરાના યોગ્ય હેન્ડલિંગ પર પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.

PM10માં 37% ઘટાડાનો દાવો

રાજકોટમાં હવાની ગુણવત્તા મોનિટર કરવા 5 મેન્યુઅલ અને 1 ઓટોમેટિક સ્ટેશન કાર્યરત છે. નાકરાવાડી ડમ્પસાઇટ પર 35 એકરમાં મિયાવાકી વન અને જાહેર સ્થળોએ 6.95 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. સાથે જ 7.5 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે.

સત્તાવાર આંકડા મુજબ PM10નું સરેરાશ સ્તર 2017-18માં 150 µg/m³ હતું, જે 2025-26માં ઘટીને 94 µg/m³ થયું છે.

રેન્કિંગ સુધર્યું, પરંતુ જમીની સ્થિતિ સામે સવાલ

મનપા દ્વારા હવામાં પ્રદૂષણ ઘટ્યાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ધૂળ અને પ્રદૂષણની સમસ્યા જોવા મળે છે. ખુલ્લામાં બાંધકામ સામગ્રીનું પરિવહન, ધૂળની ડમરીઓ અને કચરાના નિકાલની સમસ્યાને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. તેથી સર્વેક્ષણના સારા રેન્કિંગ સાથે જમીની સ્તરે પણ પ્રદૂષણ નિયંત્રણ કેટલું અસરકારક બન્યું છે તે મહત્વનો પ્રશ્ન છે.

Leave a Comment

और पढ़ें