કચ્છના લખપત તાલુકામાં વરસાદ ખેંચાતા ઘાસચારો અને પાણીની અછત ગંભીર બની રહી છે. પશુઓ માટે સ્થાનિક ચારો ખૂટી જતાં માલધારીઓ પોતાના ઢોરઢાંખર સાથે અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
રૂ.20 કિલોનો ઘાસચારો, ખર્ચ વધ્યો
બેખડો ગામના માલધારી આરફભાઈ જતના જણાવ્યા મુજબ હવે પંજાબથી આશરે રૂ.20 પ્રતિ કિલોના ભાવે ઘાસ મંગાવવું પડે છે. પશુઓની સંખ્યા વધુ હોવાથી રોજિંદા ખર્ચમાં પણ મોટો વધારો થયો છે.
9 ગાડીઓમાં પશુધન સાથે હિજરત
બેખડો ગામમાંથી અત્યાર સુધી 9 ગાડીઓમાં માલધારીઓ પશુધન સાથે ચારો અને પાણી મળી શકે તેવા વિસ્તારો તરફ રવાના થયા છે. લખપતના અન્ય ગામોમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે.
રૂ.2ના રાહત દરે ઘાસચારાની માંગ
માલધારીઓની માંગ છે કે સરકાર રૂ.2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો અને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરે. તેમનું કહેવું છે કે જો વરસાદ હજુ ખેંચાશે તો હિજરતનો વ્યાપ વધવાની શક્યતા છે.









