અમદાવાદની DPS બોપલ, ઝાયડસ સ્કૂલ અને ઉદગમ સ્કૂલને ઈમેલ મારફતે બોમ્બની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. થોડા સમય બાદ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના ઈમેલ પર પણ ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.
સ્કૂલો ખાલી કરાવી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા
ધમકી મળ્યા બાદ સંબંધિત સ્કૂલ પરિસરો ખાલી કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિટેક્શન-ડિસ્પોઝલ ટીમોએ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.
એકસાથે અનેક સંસ્થાઓને ધમકી
ઉદગમ સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. એકસાથે અનેક સ્કૂલોને ધમકી મળતાં વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. પોલીસ દ્વારા અન્ય સંસ્થાઓના ઈમેલ પણ તપાસવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર કોર્ટ પરિસર પણ ખાલી કરાયું
ગાંધીનગર કોર્ટને ધમકી મળ્યા બાદ તકેદારીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ધમકીભર્યા ઈમેલ પાછળ કોણ છે અને મેસેજ ક્યાંથી મોકલાયો તેની તપાસ ચાલી રહી છે









