અમદાવાદ: વસ્ત્રાલમાં મજાક-મસ્તીમાં લોહિયાળ ખેલ ખેલાયો, મામાએ ચપ્પુ ઝૂંટવી સગીર ભાણાને રહેંસી નાખ્યો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ટેકરા પાસે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પરિવારમાં જ લોહિયાળ ખેલ ખેલાયો હતો. પેડલ રિક્ષામાં બેસીને મજાક-મસ્તી કરી રહેલા સગીર ભાણાને મામાએ ઠપકો આપતા મામલો બિચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા સગીરે મામા-મામી પર હુમલો કર્યા બાદ મામાએ વળતો હુમલો કરી સગીર ભાણાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઘટનાની મુખ્ય વિગતો:
-
મજાક-મસ્તીથી શરૂ થયેલો વિવાદ: વસ્ત્રાલ રતનપુરા ગામ પાસે ઇન્દિરાનગર ટેકરા ખાતે રહેતા દિનેશ પ્રહલાદ દેવીપૂજક અને તેમના પત્ની પૂજાબહેન સોમવારે રાત્રે મેદાનમાં બેઠા હતા. આ દરમિયાન તેમનો સગીર ભાણો વિશાલ પોતાના મિત્રો સાથે પેડલ રિક્ષામાં બેસી જોરજોરથી મજાક-મસ્તી કરી રહ્યો હતો.
-
સગીર દ્વારા ચપ્પુથી હુમલો: દિનેશભાઈએ તેને મજાક-મસ્તી ન કરવા માટે ઠપકો આપતા સગીર ઉશ્કેરાઈ ગયો હતો અને ટેકરા પરથી ચપ્પુ લાવીને દિનેશભાઈના પેટના ડાબી બાજુએ ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા મામી પૂજાબેન અને અન્ય એક વ્યક્તિ સુનિલ પર પણ સગીરે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
-
મામા દ્વારા વળતો હુમલો અને સગીરનું મોત: ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દિનેશભાઈએ ઉશ્કેરાઈને સગીરના હાથમાંથી ચપ્પુ છીનવી લીધું હતું અને તેના પર વળતો હુમલો કરી બગલ તથા કમરના ભાગે ઘા માર્યા હતા, જેના કારણે સગીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
-
હોસ્પિટલ અને પોલીસ કાર્યવાહી: તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ સગીરને મૃત જાહેર કર્યો હતો. આ મામલે રામોલ પોલીસે મૃતકની બહેનની ફરિયાદના આધારે મામા દિનેશ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, જ્યારે પૂજાબહેનની ફરિયાદના આધારે મૃતક સગીર સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ સામસામે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
-
પૃષ્ઠભૂમિ: મૃતક સગીર નાનપણથી તેના મામા દિનેશ સાથે જ રહેતો હતો કારણ કે તેના પિતાના અવસાન બાદ માતાએ અન્યત્ર લગ્ન કરી લીધા હતા. જો કે, છેલ્લા ત્રણ મહિનાથી તે મામાથી અલગ થઈને રખડતું જીવન જીવતો હતો.









