કેદારનાથ ધામમાં મૌસમનો મિજાજ બદલાયો,બરફવર્ષાથી તાપમાન ગગડીને -8°C સુધી પહોંચ્યું
કેદારનાથ: ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ કેદારનાથ ધામ ખાતે હવામાનમાં અચાનક પલટો આવતાં ભારે હિમવર્ષા થઈ છે. બુધવારે થયેલી બરફવર્ષાના પગલે ગુરુવારે સવારે ધામમાં તાપમાન ગગડીને -8°C સુધી પહોંચી જતાં સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તાપમાન શૂન્યથી પણ નીચે ચાલી જતાં પીવાના પાણીની પાઈપલાઈનમાં પાણી જામી જવાની સાથે જ સ્થાનિક રહીશો અને બાબા કેદારના દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓ માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે.
હિમવર્ષા અને હવામાન વિભાગની આગાહી અંગેની મુખ્ય વિગતો:
-
દૈનિક જીવન પર અસર: સતત બરફવર્ષાના કારણે કેદારનાથના રસ્તાઓ પર બરફની જાડી ચાદર પથરાઈ ગઈ છે, જેનાથી વાહનવ્યવહાર તેમજ પગપાળા અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે. પાઈપલાઈનમાં પાણી જામી જતાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.
-
હવામાન વિભાગની ચાર જિલ્લામાં એલર્ટ: હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડના ૪ સરહદી અને પહાડી જિલ્લાઓ – ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથોરાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
-
૩૫૦૦ મીટરથી ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા: હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ૩૫૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહેશે.
-
પ્રશાસનની કામગીરી અને ભક્તોની શ્રદ્ધા: આવી વિષમ અને હાડ થીજવતી ઠંડી હોવા છતાં કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની આસ્થા અડીખમ જોવા મળી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી અને યાત્રાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધરાયા છે.









