દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના સંયુક્ત યજમાનપદે રમાનારા 2027 ક્રિકેટ વર્લ્ડ કપ (14મી આવૃત્તિ) ના નવા ફોર્મેટને લઈને વિવાદ ઊભો થયો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ફોર્મેટ સામે એસોસિએટ દેશોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, 2023ના વર્લ્ડ કપમાં 10 ટીમો રમી હતી, જ્યારે 2027માં ટીમોની સંખ્યા વધારીને 14 કરવામાં આવી છે.
આ 2 દેશોએ ઉઠાવ્યો સખત વાંધો
-
નેધરલેન્ડ્સ અને સ્કોટલેન્ડનો વિરોધ: ક્રિકેટ નેધરલેન્ડ્સ અને ક્રિકેટ સ્કોટલેન્ડે ICC ના આ નવા ફોર્મેટ અને તેની જાહેરાતના ટાઈમિંગ સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
-
વૈશ્વિકીકરણ પર અસર: બંને બોર્ડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રકારનું ફોર્મેટ નાના અને એસોસિએટ સભ્ય દેશોને નુકસાન પહોંચાડશે અને તેનાથી ક્રિકેટના વૈશ્વિકીકરણના પ્રયાસોને મોટો ધક્કો પહોંચશે.
શું છે 2027 ODI વર્લ્ડ કપનું નવું ફોર્મેટ?
ટુર્નામેન્ટનો સમયગાળો ઘટાડવા અને તેને રોમાંચક બનાવવા માટે ICC એ સેમિફાઈનલ પહેલા ત્રણ રાઉન્ડની સિસ્ટમ અમલી બનાવી છે:
-
રાઉન્ડ 1 (સુપર સિરીઝ – 3 મેચ): 14 ક્વોલિફાય થયેલી ટીમોમાંથી સૌથી ઓછી રેન્કિંગ ધરાવતી 3 ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ રમાશે. જેમાંથી માત્ર 1 વિજેતા ટીમ આગળ વધશે અને બાકીની 2 ટીમો બહાર થઈ જશે.
-
રાઉન્ડ 2 (30 મેચ): આગળ પહોંચેલી 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. રાઉન્ડ-રોબિન બાદ બંને ગ્રુપમાંથી ટોચની 3-3 ટીમો અને ચોથા ક્રમે રહેલી સર્વશ્રેષ્ઠ ટીમ મળીને કુલ 7 ટીમો આગળના રાઉન્ડમાં પ્રવેશશે.
-
રાઉન્ડ 3 (સિંગલ રાઉન્ડ-રોબિન): આ રાઉન્ડમાં રમતી 7 ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની 4 ટીમો સેમિફાઈનલમાં જગ્યા બનાવશે.
-
નોકઆઉટ સ્ટેજ (3 મેચ): પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમની ટીમ ચોથા ક્રમની ટીમ સામે અને બીજા ક્રમની ટીમ ત્રીજા ક્રમની ટીમ સામે સેમિફાઈનલ રમશે.









