બુટલેગર હર્ષદ મહાજનના નામચીન પુત્ર જેનિશનો રાજકોટમાં આતંક: બે સ્થળે માથાકૂટ કરી યુવક અને મહિલા પરિવાર પર પાઈપથી હુમલો

રાજકોટમાં ગુજસીટોકના ગુનામાં પકડાયેલા કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના માથાભારે પુત્ર જેનિશ અને તેના સાગરીતોએ ગત રાત્રે બે અલગ-અલગ સ્થળે હંગામો મચાવતા ચકચાર મચી ગઈ છે. શંકાના આધારે એક યુવકને થપ્પડ માર્યા બાદ આરોપીઓએ એક મહિલા અને તેમના પરિવાર પર લોખંડના પાઈપથી જાનલેવા હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે આ મામલે જેનિશ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

વીડિયો કોલ કરતા યુવકને તમાચો માર્યો

  • પ્રથમ બનાવ: અયોધ્યા ચોક પાસે રહેતો રવિ સાટિયા (ઉં.વ. 22) શીતલ પાર્ક પાસે મોબાઈલ પર વીડિયો કોલ કરી રહ્યો હતો.

  • શંકાથી હુમલો: જેનિશ અને તેના સાગરીતોને લાગ્યું કે રવિ તેમનું વીડિયો શૂટિંગ કરી રહ્યો છે, જેથી ઉશ્કેરાઈને તેમણે રવિને મોઢા પર તમાચા ઝીંકી દીધા હતા.

ગાળો બોલવાની ના પાડતાં ઘર પાસે બાઈક તોડ્યું અને પાઈપથી હુમલો કર્યો

  • બીજો બનાવ: ગાંધીગ્રામ શેરી નં. 6 માં સાડીની દુકાન ધરાવતા ભાવનાબેન બાબરીયાના ઘર પાસે કશ્યપ અને તેનો સાથીદાર ગાળો બોલતા હતા. ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ પાર્ક કરેલી બાઈકને ધક્કો મારી પાડી દીધી હતી અને મહિલાની પુત્રી વિશે અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  • પરિવાર પર હુમલો: મહિલાનો પુત્ર શુભમ બહાર આવતાં તેને મુક્કો માર્યો હતો. ત્યારબાદ જેનિશ સહિત વધુ બે શખ્સોને સાથે લાવીને આરોપીઓએ શુભમ અને તેના પિતા પર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલાં ભાવનાબેનના મોઢા પર પણ લોખંડનો પાઈપ ઝીંકી દેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી

  • આરોપીઓની ધરપકડ: ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને જેનિશ મહાજન, ભાવિક પટેલ અને કશ્યપ સોલંકીની અટકાયત કરી છે, જ્યારે ચોથા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

  • અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ: ઉલ્લેખનીય છે કે આરોપી જેનિશ મહાજન અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો, મારામારી અને દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Leave a Comment

और पढ़ें