રાજકોટના રૂડા ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીના પંપ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી 1900 લિટર શંકાસ્પદ બાયોડિઝલ/પેટ્રોલિયમ પ્રવાહી તેમજ અન્ય સાધનો મળીને કુલ ₹3.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અગાઉ બાયોડિઝલ કેસમાં પકડાયેલા આરોપીની સંડોવણી
-
બાતમીના આધારે કાર્યવાહી: અગાઉ પણ બાયોડિઝલના કેસમાં પકડાઈ ચૂકેલો વિસાવદરનો મહેલમ ફીરોઝભાઇ ભારમલ અને રણજીત ધાંધલ (રહે. હુડકો ચોકડી) ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ગેરકાયદેસર ઈંધણ ભરી આપતા હોવાની બાતમી મળતાં SOGએ દરોડો પાડ્યો હતો.
-
સાધન-સામગ્રી જપ્ત: પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ, મોટર, કન્ટેનર, લેપટોપ, બિલ બુક, ડાયરીઓ અને હરાજીનું લિક્વિડ જપ્ત કર્યું છે.
FSLમાં સેમ્પલ મોકલાયા, વિસાવદરમાં પ્લાન્ટ હોવાની શંકા
-
લેબોરેટરી તપાસ: આ શંકાસ્પદ પ્રવાહી કયા કેમિકલ કે પદાર્થોમાંથી તૈયાર કરાયું છે તે જાણવા માટે પોલીસે તેના સેમ્પલ લઈને એફએસએલ (FSL) માં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
-
પોલીસ તપાસ: SOGએ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેલમનો વિસાવદર ખાતે આ શંકાસ્પદ ઈંધણ બનાવવાનો મુખ્ય પ્લાન્ટ આવેલો હોવાની શક્યતા છે, જ્યાંથી તે ટ્રક અને ટેન્કરો માટે ઈંધણ સપ્લાય કરતો હતો.









