પાઈપલાઈનનું ખોદકામ બન્યું જેકપોટ: બેલ્જિયમના ભોંયરામાંથી મળ્યા ₹100 કરોડના સોનાના સિક્કા અને બાર, ખજાનો કોને મળશે?

બેલ્જિયમના ડેન્ડરમોન્ડે શહેરમાં એક જૂની મિલકતના ભોંયરામાં ગટર લાઈનના ખોદકામ દરમિયાન અબજો રૂપિયાનો સોનાનો ખજાનો મળી આવતાં સમગ્ર વિશ્વમાં કૂતુહલ સર્જાયું છે. મકાનના સમારકામ દરમિયાન દિવાલમાંથી કરોડો રૂપિયાની કિંમતના સોનાના બિસ્કિટ (ગોલ્ડ બાર) અને સિક્કાઓનો ઢગલો મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે €9 મિલિયન (લગભગ ₹100 કરોડ) અંકાય છે.

સમર જોબ કરતા વિદ્યાર્થીની નજરે ચડ્યો ખજાનો, કામદારોની પ્રામાણિકતા

  • ખોદકામ દરમિયાન શોધ: પૂર્વ ફ્લેન્ડર્સના ડેન્ડરમોન્ડે ખાતે ગટરની લાઈનનું ખોદકામ કરતી વખતે 18 વર્ષના વિદ્યાર્થી કોબે અને સાઈટ મેનેજર મારિયોને દિવાલમાંથી પીળી ચમકતી ધાતુ દેખાઈ હતી.

  • પોલીસને સોંપાયો ખજાનો: શરૂઆતમાં સામાન્ય સિક્કા લાગતા આ જથ્થામાંથી સોનાના બિસ્કિટ અને સિક્કાઓથી ભરેલી પ્લેટો બહાર આવતાં કામદારો અચંબિત થઈ ગયા હતા. લાલચ રાખ્યા વિના કામદારોએ પ્રામાણિકતા દાખવી તાત્કાલિક પોલીસને જાણ કરી સમગ્ર ખજાનો કાયદાના રક્ષકોને સોંપી દીધો હતો.

મિલકતની વિગત અને કાયદાકીય ગૂંચવણ: ખજાનાનો અસલ માલિક કોણ?

  • ચેરિટી સંસ્થાની મિલકત: જે મકાનમાંથી સોનું મળ્યું છે તે હાલ ‘CAW Oost-Vlaanderen’ નામની સામાજિક કલ્યાણ સંસ્થાની માલિકીનું છે.

  • કાયદાકીય જોગવાઈઓ: બેલ્જિયમના કાયદા અનુસાર, આ ખજાના અંગે નીચે મુજબના નિયમો લાગુ પડશે:

    • અસલ માલિક કે તેના કાયદેસરના વારસદારો પાસે હક સાબિત કરવા માટે 5 વર્ષનો સમય રહેશે.

    • સોનાનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થયો છે કે કેમ તેની પણ તપાસ કરાશે.

    • જો 5 વર્ષ સુધી કોઈ વારસદાર દાવો નહીં કરે, તો સિવિલ લૉ મુજબ આ ખજાનાની રકમ શોધ કરનાર કામદારો અને મિલકત માલિક સંસ્થા વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવશે.

Leave a Comment

और पढ़ें