ભાવનગર શહેરમાં તાજેતરમાં સામે આવેલા ઝેરી દારૂકાંડ અને લઠ્ઠાકાંડની ઘટના અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના એસ.પી. મયુર ચાવડાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ભયાનક લઠ્ઠાકાંડ પાછળનું મુખ્ય કારણ ‘મિથેનોલ’ કેમિકલ હતું. આ મિથેનોલયુક્ત ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે.
13 આરોપીઓની ધરપકડ અને મુખ્ય સૂત્રધાર
-
ઝડપાયેલા આરોપીઓ: પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં ગૌતમ, સારસ, જતીન, ધર્મેન્દ્રસિંહ, મંદીપસિંહ, પારસ, જયદીપ, ભાર્ગવ, વિવેક, હર્ષ, કેવલ, સુખદેવ અને હાર્દિકનો સમાવેશ થાય છે.
-
મુખ્ય સૂત્રધાર: આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ અને ગૌતમ છે. રઈસને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપીને ભાવનગર લાવવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશથી રો-મટીરીયલ અને ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા
-
બે મહિનાથી ચાલતો અડ્ડો: તપાસમાં સામે આવ્યું છે કે રઈસ અને નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફોર્મ્યુલા જાણતા હતા. છેલ્લા બે મહિનાથી ખરકડી વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.
-
આંતરરાજ્ય કનેક્શન: ઝેરી દારૂ બનાવવા માટેનું રો-મટીરીયલ મધ્યપ્રદેશથી લાવવામાં આવતું હતું. સૌપ્રથમ મૃત્યુ પણ નરેન્દ્ર યાદવનું જ થયું હતું, જેને ખાસ મધ્યપ્રદેશથી બોલાવાયો હતો.
દિલ્હી, MP અને હરિયાણા સુધી તપાસનો વ્યાપ
SMCની ટીમ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણા જેવાં અન્ય રાજ્યોમાં તપાસનો વ્યાપ વધારી રહી છે. રઈસ ગુજરાતમાં અન્ય કયા કયા સ્થળોએ સક્રિય હતો અને કોના સંપર્કમાં હતો, તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.









