બોલિવૂડ અને જાહેરાતોની દુનિયાનો સંબંધ ખૂબ જ જૂનો છે. મોટા સ્ટાર્સની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે કંપનીઓ તેને પોતાની બ્રાન્ડનો ચહેરો બનાવે છે. પરંતુ જ્યારે વાત પાન મસાલા, ગુટખા કે તેનાથી જોડાયેલી સરોગેટ (અપ્રત્યક્ષ) જાહેરાતોની આવે છે, ત્યારે વિવાદ ઊભો થાય છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર FDA એ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને ‘વિમલ ઈલાયચી’ની જાહેરાતને લઈને નોટિસ પાઠવી છે. અધિકારીઓ અનુસાર આવી જાહેરાતો પ્રતિબંધિત પાન મસાલાના પ્રચારનું માધ્યમ બની શકે છે.
પાન મસાલા અને ઈલાયચી એડ્સના વિવાદમાં ફસાયેલા 10 ચર્ચિત બોલિવૂડ સ્ટાર્સ
-
1. શાહરૂખ ખાન: લાંબા સમયથી ‘વિમલ’ના કેમ્પેઈન સાથે જોડાયેલા છે. અજય દેવગન અને ટાઈગર શ્રોફ સાથેની તેમની જાહેરાત સામે મહારાષ્ટ્ર FDA ની નોટિસ બાદ ફરી વિવાદ જાગ્યો છે.
-
2. અજય દેવગન: વર્ષોથી વિમલ બ્રાન્ડના ‘ઝુબાન કેસરી’ કેમ્પેઈનનો મુખ્ય ચહેરો રહ્યા છે. તેઓ અગાઉ કહી ચૂક્યા છે કે જો કોઈ પ્રોડક્ટ હાનિકારક હોય તો તેનું વેચાણ જ બંધ થવું જોઈએ.
-
3. ટાઈગર શ્રોફ: ફિટનેસ આઈકન ગણાતા ટાઈગર શ્રોફ પહેલાં ‘પાન બહાર’ અને બાદમાં ‘વિમલ’ની જાહેરાતમાં દેખાતાં ભારે ટીકાઓનો ભોગ બન્યા છે.
-
4. અક્ષય કુમાર: 2022માં વિમલ ઈલાયચીની એડમાં જોડાયા બાદ ફેન્સના વિરોધને કારણે તેમણે જાહેરમાં માફી માંગી હતી, બ્રાન્ડમાંથી પીછેહટ કરી હતી અને એન્ડોર્સમેન્ટ ફી દાન કરી દીધી હતી.
-
5. અમિતાભ બચ્ચન: 2021માં ‘કમલા પસંદ’ની સિલ્વર કોટેડ ઈલાયચી એડમાં કામ કર્યું હતું. વિવાદ વધતાં બિગ બીએ કરાર રદ કરી મળેલી ફી પરત આપી દીધી હતી.
-
6. રણવીર સિંહ: કમલા પસંદની એડમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. આ એડ સરોગેટ એડવર્ટાઈઝિંગ ચર્ચાનું મોટું ઉદાહરણ બની હતી.
-
7. હૃતિક રોશન: યુથ અને ફિટનેસ આઈકનની છબી ધરાવતા હૃતિકે ‘દિલબાગ’ની સિગ્નેચર ઈલાયચી એડમાં કામ કરતાં વિવાદ ઊભો થયો હતો.
-
8. સલમાન ખાન: ‘રાજશ્રી પાન મસાલા’ના એન્ડોર્સમેન્ટ બદલ તેમની ટીકા થઈ હતી અને મામલો કોટાની કન્ઝ્યુમર કોર્ટ સુધી પહોંચ્યો હતો.
-
9. સૈફ અલી ખાન: ‘પાન બહાર’ની જાહેરાતમાં જોવા મળ્યા હતા. ASCI માં થયેલી ફરિયાદ મુજબ આવી જાહેરાતોમાં ફિલ્મી સ્ટાર્સની હાજરી બાળકો પર ખોટી અસર પાડે છે.
-
10. સની દેઓલ: તાજેતરમાં પાન મસાલા એડ ન કરવાની વાત કર્યા બાદ રવિ કિશન સાથેની તેમની એક જૂની પાન મસાલા એડ વાયરલ થતાં ટ્રોલ થયા હતા.
ગ્રાહકોની સજાગતા અને સરોગેટ એડવર્ટાઈઝિંગ સામે સરકારી તંત્રના કડક વલણને કારણે આગામી સમયમાં સેલિબ્રિટી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર વધુ નિયંત્રણો આવે તેવી શક્યતા છે.









