રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો બાકી ધરાવતા 1.50 લાખથી વધુ કરદાતાઓ માટે મોટો અને આશ્વાસનરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર ડૉ. નેહલ શુક્લની અધ્યક્ષતામાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હવેથી કોઈપણ મિલકતધારક પાસેથી મૂળ મુદ્દલ કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં.
મુદ્દલ જેટલું જ વ્યાજ લેવાશે, વધારાના વ્યાજમાંથી મુક્તિ
-
વ્યાજ માફી ગણતરી: જો કોઈ કરદાતાનો ₹1 લાખનો મૂળ વેરો બાકી હોય અને તેના પર ₹1.50 લાખ વ્યાજ ચડ્યું હોય, તો માત્ર મુદ્દલ જેટલું એટલે કે ₹1 લાખ વ્યાજ જ વસૂલાશે અને બાકીના ₹50,000 ની સીધી માફી મળશે.
-
જમા રકમ મજરે અપાશે: જે કરદાતાઓએ 01/04/2026 થી 31/07/2026 દરમિયાન વ્યાજ સહિત પૂરી રકમ ભરી દીધી છે, તેમને વધારાની રકમ નાણાકીય વર્ષ 2027-28માં મજરે જમા આપવામાં આવશે.
-
યોજનાની સમયમર્યાદા: 01/08/2026 થી 30/09/2026 સુધી અમલી આ યોજના હેઠળ પૂરો વેરો ભરપાઈ કરનારને મિલકતવેરાના ચડત વ્યાજમાં ₹5,000 અને વોટર ચાર્જીસના વ્યાજમાં ₹5,000 સુધીની માફી પણ મળશે.
ટ્રાફિક નિવારણ માટે નવી હોકર્સ પોલિસી અને 24 માર્ગો ‘હોકર્સ ફ્રી’
-
હોકર્સ ફ્રી રોડ: યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ડૉ. યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગુંદાવાડી અને કુવાડવા રોડ સહિત 24 મુખ્ય માર્ગોને ‘હોકર્સ ફ્રી’ જાહેર કરવામાં આવ્યા છે.
-
નવા નિયમો: એક પરિવારમાંથી એક જ સભ્યને જગ્યા ફાળવાશે. પ્લોટ સાઇઝ મુજબ ₹500 થી ₹3000 માસિક ભાડું, ₹500 સફાઈ ચાર્જ અને ₹5000 ડિપોઝિટ લેવાશે.
-
QR કોડ આઈડી: અધિકૃત ફેરિયાઓને QR કોડ વાળા ઓળખકાર્ડ અપાશે જે રેંકડી પર લગાવવા ફરજિયાત રહેશે. હોકર્સ ઝોનમાં 80% જગ્યા શાકભાજી/ફ્રૂટ/કટલેરી અને 20% જગ્યા અન્ય ફેરિયાઓ માટે અનામત રહેશે.
જનરલ બોર્ડમાં અન્ય મહત્વના મુદ્દાઓ
-
કામગીરી અંગે ટકોર: મેયર ડૉ. નેહલ શુક્લએ અધિકારીઓને કોર્પોરેટરોને કોઈપણ કામ પૂરું થવા માટે ખોટા વાયદા ન આપવા અને નિયત સમયમાં જ વિગતો પૂરી પાડવા કડક આદેશ આપ્યા હતા.
-
પાણી અને ગેરકાયદે પ્રવૃત્તિ: બોર્ડમાં પાણી વિતરણની ગેરરીતિઓ, આજીનદી તથા રામનાથ મહાદેવ મંદિર પાસેની સફાઈ અને મનપાના ખાલી પ્લોટમાં દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કડક પગલાં ભરવા ચર્ચા થઈ હતી.









