ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર વેચાણ અને અનધિકૃત સંગ્રહ સામે FDCAએ રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરી છે. 1 સપ્ટેમ્બરે થયેલી તપાસમાં ₹83 લાખથી વધુનો દવાનો જથ્થો સ્થગિત, 7 પેઢીઓને કારણદર્શક નોટિસ અને એક પેઢીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે.
બાલાજી ફાર્મામાંથી 83 લાખનો જથ્થો સ્થગિત
અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર વિસ્તારમાં આવેલી બાલાજી ફાર્મામાં તપાસ દરમિયાન કોડીનયુક્ત Rexton-T Syrupની 37,762 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ ₹220ના MRP મુજબ આ જથ્થાની કિંમત ₹83.07 લાખ થાય છે. જથ્થાના વેચાણ પર પ્રતિબંધ મૂકી લેબોરેટરી તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે.
એક પેઢીનું લાઇસન્સ રદ
કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માને અગાઉ અપાયેલી શો-કોઝ નોટિસનો ખુલાસો સંતોષકારક ન જણાતા તેનું દવા વેચાણનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે.
અન્ય પેઢીઓ સામે પણ નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
- જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સને નોટિસ અને દવાનો જથ્થો સ્થગિત
- ફાર્માલિન લાઇફસાયન્સિસ અને રેઇન રેમેડીઝને નોટિસ
- કેપિટલ ફાર્મા અને HRDM ગ્લોબલ સોલ્યુશન્સને નોટિસ
- કૃષ્ણા ફાર્મા સામે નોટિસની કાર્યવાહી ચાલુ
પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ સામે ઝીરો ટોલરન્સ
આરોગ્ય તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોડીનયુક્ત અને નશાકારક દવાઓનું વેચાણ માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર પ્રક્રિયા હેઠળ જ થવું જોઈએ. પેઢીઓના ખરીદ-વેચાણના બીલો તથા રેકોર્ડની વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ ચાલુ રાખવામાં આવશે.









