અમરેલીના ‘SD Pay’ સાયબર કૌભાંડનો પર્દાફાશ

અમરેલી પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ‘SD Pay’ અને ‘Apna Pay’ એપ દ્વારા ઊંચા વળતર, કેશબેક અને રેફરલ બોનસની લાલચ આપી લોકોને રોકાણ કરાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. SITએ સુરત, મહેસાણા અને ગાંધીનગરમાંથી નેટવર્ક સાથે જોડાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે.

10 લાખથી વધુ ડાઉનલોડ, લાખો લોકોને જોડ્યા

પોલીસ તપાસ મુજબ એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ થયા હતા. આરોપીઓ દ્વારા રેફરલના માધ્યમથી અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને નેટવર્કમાં જોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં નાના રોકાણ પર વધુ વળતર બતાવી વિશ્વાસ કેળવવામાં આવતો અને ત્યારબાદ મોટી રકમ રોકાણ કરવા પ્રેરિત કરાતા હોવાની આશંકા છે.

7 બોગસ કંપની, 15 ખાતામાં ₹634 કરોડ

કૌભાંડ ચલાવવા માટે ‘એસ.ડી. હબ’, ‘શિવ ધરતી કોમ્યુનિકેશન’, ‘ઉપાય ડિજી’ સહિત 7 બોગસ કંપનીઓ ઉભી કરાઈ હોવાની માહિતી મળી છે. આ કંપનીઓના 15 બેંક ખાતામાં અંદાજે ₹634 કરોડના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે.

  • NCCRP પર 83 સાયબર ફ્રોડ ફરિયાદો
  • 15 બેંક ખાતાઓની તપાસ
  • 6 આરોપીઓની ધરપકડ
  • 30થી 35 જેટલા અન્ય બેંક ખાતાઓની તપાસ

15 લેવલ સુધી રેફરલ કમિશનની લાલચ

પોલીસના જણાવ્યા મુજબ ₹1 હજારથી ₹5 લાખ કે તેથી વધુના રોકાણ પર દરરોજ 0.15%થી 0.30% વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. સાથે જ નવા સભ્યો જોડવા માટે 15 લેવલ સુધી રેફરલ કમિશનની ઓફર કરાતી હતી.

અમરેલી એસપીના માર્ગદર્શન હેઠળ એએસપી જયવીર ગઢવીના નેતૃત્વમાં રચાયેલી SIT હવે નાણાંની હેરફેર, બેંક ખાતાઓ અને અન્ય સંભવિત આરોપીઓ અંગે વધુ તપાસ કરી રહી છે. તપાસ આગળ વધતા કૌભાંડની રકમ અને નેટવર્કનો વ્યાપ વધુ મોટો થવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें