રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો અપસેટ, અરવિંદ રૈયાણી સહિત મેન્ડેટ ધરાવતા ઉમેદવારોને ઝટકો

રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘની પાંચ બેઠકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે કેટલાક ઉમેદવારોએ બળવો કરતાં પરિણામો રસપ્રદ બન્યા છે. ખાસ કરીને રાદડિયા જૂથના ટેકેદારોના પ્રદર્શનથી સ્થાનિક રાજકીય સમીકરણોમાં ચર્ચા તેજ બની છે.

કુવાડવા-માધાપરમાં મોટો ઉલટફેર

કુવાડવા બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયાએ જીત મેળવી છે. જ્યારે માધાપર બેઠક પર પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા સામે રાદડિયા જૂથના વિજય સખીયાનો વિજય થયો છે.

બંને બેઠકોના પરિણામને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે પાર્ટીના મેન્ડેટથી અલગ જઈને ઉમેદવારી કરનારા ઉમેદવારોને સફળતા મળી છે.

હલેન્ડા અને ખોખડદડમાં પણ પરિણામ મહત્વનું

હલેન્ડા બેઠક પર પાર્ટીના મેન્ડેટ સાથે મેદાનમાં ઉતરેલા મહેશ આસોદરિયાએ ધીરુભાઈ રોકડને હરાવ્યા છે. બીજી તરફ ખોખડદડ બેઠક પર બાબુ નસીત વિજેતા બન્યા છે. આ બેઠકમાં એક મતદારે મતદાન ન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

ત્રંબામાં ટાઈ બાદ ચિઠ્ઠીથી નિર્ણય

ત્રંબા બેઠક પર નીતિન રૈયાણી અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મતગણતરી દરમિયાન ટાઈની સ્થિતિ સર્જાયા બાદ ચિઠ્ઠી દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

પાંચ બેઠકોના પરિણામમાં પક્ષના મેન્ડેટ, આંતરિક જૂથવાદ અને બળવાખોર ઉમેદવારોની ભૂમિકા સ્પષ્ટ જોવા મળી છે. ખાસ કરીને બે મહત્વની બેઠકોમાં રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારોની જીતને કારણે રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

Leave a Comment

और पढ़ें