એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં નાગોયામાં પૂર, 400 ખેલાડીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

જાપાનના નાગોયામાં એશિયન ગેમ્સ શરૂ થવાના 10 દિવસ પહેલાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તા, મેટ્રો અને બસ સેવા પ્રભાવિત થઈ હતી. ગેમ્સ માટે પહોંચેલા આશરે 400 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

3,500 લોકો ઇમરજન્સી શેલ્ટરમાં

પૂરના કારણે નાગોયા અને આસપાસના વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આશરે 3,500 લોકોએ ઇમરજન્સી શેલ્ટરમાં આશ્રય લીધો હતો. કેટલાક ગેમ્સ વેન્યુમાં પણ છત પરથી પાણી ટપકવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, મેયર ઇચિરો હિરોસાવાએ કહ્યું કે ગેમ્સના આયોજનને લઈને હાલ ચિંતાની જરૂર નથી.

19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ

આઈચી-નાગોયા એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની 19 સપ્ટેમ્બરે યોજાશે અને સ્પર્ધાઓ 4 ઓક્ટોબર સુધી ચાલશે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના વેન્યુને ગંભીર નુકસાન થયું નથી.

ભારતનું 768 સભ્યોનું દળ

ભારત તરફથી 503 ખેલાડીઓ અને 255 સપોર્ટ સ્ટાફ, એટલે કે કુલ 768 સભ્યોનું દળ મોકલવામાં આવી રહ્યું છે. ભારત 36 રમતોમાં ભાગ લેશે. એથ્લેટિક્સમાં સૌથી વધુ 79 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ ટીમોની રવાના થવાની તૈયારી

શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરે જાપાન માટે રવાના થશે. જ્યારે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ 14 સપ્ટેમ્બરે નાગોયા પહોંચશે. મહિલા ટીમ 18 સપ્ટેમ્બરથી ક્વાર્ટર ફાઇનલમાં અભિયાન શરૂ કરશે.

ગેમ્સમાં ક્રિકેટની સુવિધાઓ અંગે વિવાદ

આ પહેલા ક્રિકેટ ટીમના રહેવા અને ડ્રેસિંગ રૂમની સુવિધાઓને લઈને પણ સવાલો ઊભા થયા હતા. આયોજકોના જણાવ્યા મુજબ ખેલાડીઓ માટે હોટલનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને અસ્થાયી ડ્રેસિંગ રૂમમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રીલંકાના ક્યુરેટર્સની મદદથી ક્રિકેટ માટેની પિચ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें