પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાની બિન-ભાડા આવક (Non-Fare Revenue) વધારવા અને ઉપલબ્ધ સંપત્તિઓનો મહત્તમ વ્યાવસાયિક ઉપયોગ કરવાના ઉદ્દેશથી ઈ-નીલામી મારફતે ₹૪.૬૯ કરોડથી વધુના શ્રેણીબદ્ધ કરારો કર્યા છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયોથી રેલવેની આવકમાં મોટો વધારો થવાની સાથે મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો થશે.
આ યોજના હેઠળ અમદાવાદ ડિવિઝને રેલવે સ્ટેશનોની ૩૦ ઓવરહેડ પાણીની ટાંકીઓ પર જાહેરાતો, વંદે ભારત ટ્રેનના કોચમાં હેડ રેસ્ટ કવર જાહેરાતો અને નોન-પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને સીટ પર જ દૈનિક સામાન પૂરો પાડવા માટેના કરારો મંજૂર કર્યા છે.
કરારો અને સુવિધાઓ અંગેના મુખ્ય મુદ્દાઓ:
-
પાણીની ટાંકીઓ પર જાહેરાત: અમદાવાદ, મણિનગર, સાબરમતી, ભુજ સહિત ૧૪ સ્થળોની ૩૦ ઓવરહેડ પાણીની ટાંકીઓ પર ૫ વર્ષ માટે વોલ પેઇન્ટિંગ જાહેરાતથી ₹૨૨.૧૨ લાખની આવક થશે.
-
ટ્રેન સાઇડ વેન્ડિંગ (TSV): ૩ વર્ષ માટે ₹૩.૭૨ કરોડના કરાર હેઠળ નોન-પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને ટૂથબ્રશ, મોબાઇલ ચાર્જર, સેનેટરી પેડ, રમકડાં જેવી વસ્તુઓ MRP પર સીટ પર જ મળશે. આ માટે ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરી સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
-
અનધિકૃત ફેરિયાઓ પર રોક: ટ્રેનમાં વધુમાં વધુ ૪ કાયદેસરના વેન્ડરો જ રહેશે, જેમના માટે ચોક્કસ યુનિફોર્મ, બેજ અને QR કોડ આધારિત ઓળખપત્ર ફરજિયાત કરાયા છે.
-
વંદે ભારત હેડ રેસ્ટ જાહેરાત: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચના હેડ રેસ્ટ કવર પર જાહેરાત પ્રદર્શિત કરવા માટે ૩ વર્ષનો ₹૧૮ લાખનો કરાર કરવામાં આવ્યો છે.
આ વ્યવસ્થાથી રેલવેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને મુસાફરી દરમિયાન પ્રવાસીઓને જરૂરી સામાન સહેલાઈથી ઉપલબ્ધ બનશે.









