કેન્દ્ર સરકાર દ્વારા UPI વ્યવહારો પર લાદવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ સામે દેશભરના વેપારી વર્ગમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના નેતૃત્વ હેઠળ ૧૭ રાજ્યોના વેપારી સંગઠનોએ બીજી ઓક્ટોબરે સમગ્ર ભારતમાં ‘નો-યુપીઆઈ-ડે’ (UPI વગરનો દિવસ) મનાવવાની જાહેરાત કરી છે.
બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વેપારીઓ આ સરકાર વિરોધી ઝુંબેશની શરૂઆત કરશે. આ દિવસે તમામ વેપારીઓ પોતપોતાના વિસ્તારના સંસદસભ્યોને આવેદનપત્ર આપીને પોતાની નારાજગી રજૂ કરશે.
આંદોલનના કાર્યક્રમો અને મુખ્ય વિગતો:
-
બીજી ઓક્ટોબર (નો-UPI-ડે): MDR ચાર્જના વિરોધમાં દેશભરમાં એક દિવસ માટે UPI મારફતે ચુકવણી સ્વીકારવાનો બહિષ્કાર કરાશે.
-
૧૦મી ઓક્ટોબર (ધરણા પ્રદર્શન): દેશવ્યાપી ધોરણે વેપારીઓ પોતપોતાના રાજ્યો અને શહેરોમાં ધરણા યોજીને વિરોધ પ્રદર્શિત કરશે.
-
૧૫મી ઓક્ટોબર (કાળો દિવસ): વેપારીઓ કાળા દિવસ તરીકે ઉજવણી કરી ફરીથી ‘નો-UPI-ડે’ પાળશે.
-
અપવાદ: ઓલ ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેઇલર્સ એસોસિએશન જેવા એકાદ-બે સંગઠનોએ આ આંદોલન અને વિરોધ પ્રદર્શનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
વેપારી સંગઠનોનું કહેવું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાદવાથી નાના અને મધ્યમ વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે, તેથી આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.









