સુરત: નિર્મળ ગુજરાત 30 ઈલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી થશે
સુરત શહેરની સફાઈ વ્યવસ્થાને સુચારૂ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા કર્મચારીઓનું મનોબળ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. રાજ્ય સરકારની ‘નિર્મળ ગુજરાત ૨.૦’ યોજના હેઠળ શહેરના ૩૦ ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરીને રૂ. ૧૦ હજારનું નાણાકીય પ્રોત્સાહન આપવાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત વર્ષ દરમિયાન ૩૬૦ સફાઈ કર્મચારીઓને કુલ રૂ. ૩૬ લાખના એવોર્ડ આપવાની દરખાસ્ત મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
યોજના અને પસંદગી પ્રક્રિયા અંગેની મુખ્ય વિગતો:
-
‘નિર્મળ ગુજરાત ૨.૦’ યોજના: શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને સફાઈ કામગીરી સાથે સીધા સંકળાયેલા શ્રમિકોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત મહાનગરપાલિકાઓને વોર્ડ દીઠ દર મહિને રૂ. ૧૦ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
-
૩૬૦ કર્મચારીઓની પસંદગી: સુરત પાલિકાના ઝોનલ ચીફ અને નાયબ આરોગ્ય અધિકારીઓ દ્વારા એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ ના નાણાકીય વર્ષ માટે ૩૦ ઇલેક્શન વોર્ડમાંથી કુલ ૩૬૦ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
-
રૂ. ૩૬ લાખની ગ્રાન્ટ ફાળવણી: વર્ષ ૨૦૨૫-૨૬ ના સમયગાળા માટે સુરત પાલિકાને સરકાર તરફથી કુલ રૂ. ૩૬ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં ૩૦ વોર્ડ મુજબ ૧૨ મહિના માટેની રકમનો સમાવેશ થાય છે.
-
સીધા બેંક ખાતામાં જમા થશે રકમ: પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી પસંદગી પામેલા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને એવોર્ડની રકમ રોકડા આપવાને બદલે તેમના બેંક ખાતામાં સીધી RTGS અથવા ઓનલાઈન ટ્રાન્સફર માધ્યમથી જમા કરાવવામાં આવશે.









