રાજકોટના ન્યૂ નહેરૂનગરમાં પારિવારિક ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ: ‘ચોરીઓ કરવાનું છોડી દે’ તેમ કહેતાં કળિયુગી પિતાએ સગા પુત્રને હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ શહેરના ન્યૂ નહેરૂનગર વિસ્તારમાં પિતા અને પુત્ર વચ્ચેના અણબનાવે ગંભીર અને લોહિયાળ રૂપ ધારણ કર્યું છે. પિતાની ચોરી કરવાની કુટેવથી કંટાળેલા પુત્રએ તેમને સુધરી જવાની શિખામણ આપતાં ઉશ્કેરાયેલા પિતાએ લોખંડના હથોડા વડે માથામાં ઘા ઝીંકી પોતાના જ પુત્રની નિર્મમ હત્યા કરી નાખી છે.

પિતાની ચોરી કરવાની ટેવથી અવારનવાર થતો હતો ઝઘડો

  • તકરારનું કારણ: ન્યૂ નહેરૂનગરમાં રહેતા બાબુભાઈ રઘાભાઈ સવસેટા અને તેમના અપરિણિત પુત્ર રામ વચ્ચે પિતાની ચોરી કરવાની ટેવને લઈને સતત ઘર્ષણ થતું હતું. રામ પોતાના પિતાને આ ખોટા રસ્તેથી હટીને સુધરી જવા કહેતો હતો, જે બાબુ સવસેટાને પસંદ નહોતું.

  • હત્યાની તૈયારી: ઝઘડાના કારણે બાબુભાઈએ અગાઉથી જ ઘરમાં કૂહાડી, લોખંડના પાઈપ અને હથોડા જેવા હથિયારો ભેગા કરી રાખ્યા હતા, જેને પરિવારજનો છુપાવી દેતા હતા.

  • ઘટનાનો દિવસ: બનાવના દિવસે બપોરે પણ બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. જે બાદ સાંજે પિતાએ ઘરમાં એકલા રહેલા પુત્ર રામના માથામાં લોખંડના હથોડાના પ્રચંડ ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસ સ્ટેશને જઈ નાટક કર્યું, કડકાઈથી પૂછપરછ કરતાં પિતા ભાંગી પડ્યો

  • માતા ઘરે પહોંચતાં દ્રશ્ય જોઈ સ્તબ્ધ: મૃતકની માતા હંસાબેન સાંજે ઘરે પહોંચ્યા ત્યારે પુત્ર રામ રૂમમાં લોહીના ખાબોચિયામાં પડેલો મળ્યો હતો.

  • પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ: હત્યા કર્યા બાદ આરોપી બાબુ સવસેટા સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોતાનો દીકરો બીમાર હોવાથી દવાખાને લઈ જવો પડશે તેવું બહાનું કાઢ્યું હતું.

  • પોલીસ એક્શન: પોલીસે શંકા જતાં કડકાઈથી પૂછપરછ હાથ ધરી, જેમાં બાબુ સવસેટાએ પોતે જ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતકની માતા હંસાબેનની ફરિયાદ પરથી કળિયુગી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें