૯ એવેન્યુના બિલ્ડરની ‘દાદાગીરી’? રહીશોના કરોડો રૂપિયા પાણીમાં! સુવિધાઓના નામે માત્ર ‘વાયદાના વડા’! ૩ વર્ષના વાયદા વીતી ગયા છતાં સહિયારી સુવિધાઓ અને બીયુસી સર્ટિફિકેટનું શું?

ભારત હેડલાઇન,તા.૧૩

રાજકોટ શહેરમાં આવેલા ૯ એવન્યુ પ્રોજેક્ટને લઈને રહીશોમાં નારાજગી વધી રહી છે.બિલ્ડર દ્વારા વચન આપવામાં આવેલી અનેક સુવિધાઓ હજુ સુધી પૂર્ણ ન થઈ હોવાના આક્ષેપો વચ્ચે હવે સૌથી મોટો સવાલ કમ્પ્લીશન સર્ટિફિકેટ કોણ અપાવશે? તે અંગે ઊભો થયો છે.

રહીશોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટને લઈને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જરૂરી પ્રક્રિયાઓ અને પ્રમાણપત્ર અંગે હજુ પણ સ્પષ્ટતા નથી. રહીશોનો સવાલ છે કે જો પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવાની જવાબદારી કોની છે? અને તે પ્રક્રિયા હજુ ક્યાં અટવાઈ છે?

મહાનગરપાલિકામાં રજૂઆત કરતાં બિલ્ડર તરફથી પ્રક્રિયા પેન્ડિંગ હોવાની વાત સામે આવે છે,જ્યારે બીજી તરફ બિલ્ડર તરફથી મહાનગરપાલિકા ઉપર જવાબદારી ઢોળવામાં આવતી હોવાના આક્ષેપો છે.આમ ‘આક્ષેપ-પ્રતિઆક્ષેપ’ વચ્ચે આખરે રહીશો જવાબ માગી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ખરીદતી વખતે ગઝીબો,ગાર્ડન,ટેરેસ પાર્કિંગ,પાણી ભરાવા,ગંદકી સહિતની વિવિધ કોમન સુવિધાઓના વાયદા કરવામાં આવ્યા હોવાના રહીશોના આક્ષેપ છે.પરંતુ આજે ત્રણ વર્ષ બાદ પણ જો સુવિધાઓ અધૂરી હોય અને સર્ટિફિકેટની સ્થિતિ અંગે સ્પષ્ટતા ન હોય તો રહીશોના કરોડો રૂપિયાના રોકાણ સામે જવાબદારી કોણ લેશે?

આવી જ રીતે પ્રોજેક્ટમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.રહીશો દ્વારા ફાયર સેફ્ટીના સાધનોની કાર્યક્ષમતા અંગે પણ સ્પષ્ટતા તથા મોકડ્રિલની માંગ કરવામાં આવી હોવાનું જણાવાય છે.તો બીજી તરફ સેલરમાં પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવની ફરિયાદ પણ સામે આવી છે.ચોમાસામાં આ સમસ્યા વધુ ગંભીર બનતી હોવાનો રહીશોનો આક્ષેપ છે.

હવે સવાલ સીધો છે કે ત્રણ વર્ષના વાયદા વીતી ગયા છે તો કોમ્પ્લીશન સર્ટિફિકેટ કોણ અપાવશે?બિલ્ડર કે મહાનગરપાલિકા?રહીશોના કરોડો રૂપિયાના રોકાણ સામે જવાબદારી કોણ લેશે?અને બિલ્ડરે વચનમાં આપેલી સુવિધાઓ ક્યારે મળશે?

રહીશોના જણાવ્યા પ્રમાણે સવાલોના સત્તાવાર અને દસ્તાવેજી જવાબો સામે આવે તે જરૂરી છે.કારણ કે આખરે મુદ્દો માત્ર સુવિધાઓનો નથી,પરંતુ રહીશોના નાણાં,સલામતી અને કાયદેસર મંજૂરીઓની પારદર્શિતાનો છે.

Leave a Comment

और पढ़ें