ગોંડલના આઈકોનિક લોકમેળામાં ભાવતાલને લઈને થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા 25 વર્ષીય રમાશંકર ઉર્ફે દીપક બરમન પર છરીથી હુમલો થતાં તેનું મોત થયું હતું. જ્યારે વિશાલ નરેન્દ્ર શર્મા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ભાવતાલના વિવાદમાં છરીથી હુમલો
પ્રયાગરાજના ત્રણ પિતરાઈ ભાઈઓ મેળામાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા હતા. 9 સપ્ટેમ્બરની રાત્રે ફ્રેમના ભાવને લઈને સ્થાનિક યુવકો સાથે તકરાર થઈ હતી. વિવાદ ઉગ્ર બનતા રાહુલ રાજુ ડોડિયાએ છરી વડે હુમલો કર્યો હતો.
મુખ્ય આરોપી સહિત 5ની અટકાયત
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. ફરાર થયેલા મુખ્ય આરોપી રાહુલ ડોડિયાને નજીકના કોમ્પલેક્સમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે રાહુલ ઉપરાંત સમીર અકબર સુમરા, અલ્ફાજ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢિયા અને અસફાખ મજીદ જુનેજાની પણ અટકાયત કરી છે.
600 લોકોની હાજરી વચ્ચે હત્યા
લોકમેળો 2 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને ઘટના મેળાના 8મા દિવસે બની હતી. બનાવ સમયે અંદાજે 600 લોકો હાજર હતા. રાઈડ્સ અને સ્ટોલ વિભાગના મુખ્ય ગેટ નજીક બનેલી ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









