‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO)ના અહેવાલ મુજબ ચિકનપોક્સના કારણે વૈશ્વિક સ્તરે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે (૨૦૨૧માં વિશ્વમાં આશરે ૮.૬૭ કરોડ કેસ નોંધાયા હતા અને ૧૩,૯૩૧ લોકોનાં મોત થયાં હતાં). આ બીમારી મુખ્યત્વે નાના બાળકોમાં વધુ જોવા મળે છે, તેથી સમયસર સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
ચિકનપોક્સ શું છે અને તેના પ્રારંભિક લક્ષણો:
-
ચિકનપોક્સ એ વેરિસેલા-ઝોસ્ટર વાયરસ (VZV) દ્વારા ફેલાતું અત્યંત ચેપી વાયરલ ઇન્ફેક્શન છે.
-
આ રોગમાં શરૂઆતમાં તાવ, થાક, અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો દેખાય છે, ત્યારબાદ શરીર પર નાના-નાના લાલ ચકામા અને ફોલ્લા થાય છે જેમાં તીવ્ર ખંજવાળ અને બળતરા થાય છે.
-
ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી આ વાયરસ ઝડપથી ફેલાય છે.
બાળકને ચિકનપોક્સ થાય ત્યારે કાળજી અને સાવચેતીઓ:
-
સ્વચ્છતા: બાળકની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો અને તેને પૂરતી ઊંઘ લેવા દો.
-
ખંજવાળથી બચાવો: ફોલ્લાઓ પર ખંજવાળવાથી ચામડી પર ડાઘ પડી શકે છે કે સેકન્ડરી ઇન્ફેક્શન થઈ શકે છે, તેથી બાળકને ખંજવાળતા અટકાવો.
-
હાઇડ્રેશન: બાળકને પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી (જેમ કે નારિયેળ પાણી) આપો.
-
ડૉક્ટરની સલાહ: તાવ આવે કે દાણા નીકળે એટલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. ક્યારેય પોતાની મરજીથી એન્ટિબાયોટિક્સ કે અન્ય દવાઓ આપવી નહીં. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જ દવાઓ આપવી.
આહારમાં શું આપવું અને શું ટાળવું?
-
શું ખવડાવવું: ખીચડી, દાળ-ભાત, દલિયો, દૂધ, દહીં, કેળાં, પપૈયાં જેવા હળવા અને પૌષ્ટિક ખોરાક.
-
શું ન આપવું: મસાલેદાર ખોરાક, ખાટા પદાર્થો, બહારનું જંક ફૂડ, તળેલો ખોરાક અને ગરમ તાસીરવાળી વસ્તુઓ.
રસીકરણ અંગેની માહિતી:
-
ચિકનપોક્સથી બચાવ માટે ‘વેરિસેલા’ રસી ઉપલબ્ધ છે, જે આ ચેપ અને તેની ગંભીર જટિલતાઓ સામે રક્ષણ આપે છે.
-
‘ઇન્ડિયન એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ’ અનુસાર આ રસીના બે ડોઝ આપવામાં આવે છે: પ્રથમ ડોઝ ૧૨ થી ૧૫ મહિનાની ઉંમરે અને બીજો ડોઝ ૪ થી ૬ વર્ષની ઉંમરે આપવામાં આવે છે. (નોંધ: આ રસી ભારત સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ નથી, પરંતુ માતા-પિતા ડૉક્ટરની સલાહથી તે અપાવી શકે છે.)
ઇમરજન્સીના લક્ષણો (ક્યારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું?): જો ચિકનપોક્સના દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ થાય, તાવ ખૂબ જ ઊંચો રહે અને ઉતરે નહીં, ફોલ્લામાંથી લોહી નીકળે કે ત્વચા પર ગંભીર સોજાના લક્ષણો દેખાય, તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો.








