ભાવનગરમાં ‘હર ઘર, સાયબર સુરક્ષિત ઘર’ અભિયાનની શરૂઆત, છેતરપિંડીથી બચવા પોલીસની ખાસ અપીલ
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં વધતા જતા સાયબર ગુનાઓ અને ઓનલાઈન ફ્રોડ સામે નાગરિકોને જાગૃત કરવાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા “હર ઘર, સાયબર સુરક્ષિત ઘર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ખાસ સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને ડિજિટલ સુરક્ષા અને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
અભિયાનની મુખ્ય વિગતો અને જાગૃતિના મુદ્દાઓ:
-
ઓનલાઈન ફ્રોડથી બચવાની સમજ: આ અભિયાનનો મુખ્ય હેતુ ભાવનગર શહેરથી લઈને ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારો સુધીના નાગરિકોને ફેક કોલ, ફેક મેસેજ, ઓટીપી (OTP) ફ્રોડ, બેંકિંગ ફ્રોડ અને સોશિયલ મીડિયા થતી છેતરપિંડીથી માહિતગાર કરવાનો છે. પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિના ફોન કે મેસેજ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.
-
ગોપનીય વિગતો શેર ન કરવા તાકીદ: સાયબર ગુનેગારો દ્વારા લોકોના બેંક ખાતા ખાલી કરવા માટે ઓટીપી, પિન (PIN), પાસવર્ડ, એટીએમ (ATM) કે અન્ય બેંકિંગ વિગતો મેળવવામાં આવતી હોય છે. તેથી આવી ગુપ્ત માહિતી ક્યારેય પણ કોઈની સાથે શેર ન કરવા ખાસ જાગૃત કરવામાં આવ્યા છે. સાથે જ, શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવા સૂચના અપાઈ છે.
-
ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ: આ જાગૃતિ કાર્યક્રમમાં રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી આર.આર. સિંઘાલ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાયબર સુરક્ષામાં સાવચેતીને જ સૌથી મોટું કવચ ગણાવ્યું હતું.
પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે “સાયબર ગુનાનો ભોગ બન્યા બાદ પસ્તાવો કરવા કરતાં અગાઉથી સાવચેતી રાખવી વધુ જરૂરી છે.” આ અભિયાન હેઠળ શહેરથી લઈને ગામડાઓ સુધી દરેક નાગરિકને સુરક્ષિત રાખવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.








