India GDP: ભારતના GDP પર વર્લ્ડ બેંકનો ભરોસો વધ્યો, FY27 ગ્રોથ અનુમાન 6.6 ટકાથી વધારીને કર્યું 7.1 કર્યું
ભારતીય અર્થવ્યવસ્થાને લઈને વૈશ્વિક સ્તરેથી વધુ એક સકારાત્મક અહેવાલ સામે આવ્યો છે. વૈશ્વિક સ્તરે ઊંચા વ્યાજ દરો, મોંઘા ક્રૂડ ઓઈલ અને બજારના उतार-ચઢાવ જેવા પડકારો વચ્ચે ભારતીય ઇકોનોમીએ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ મજબૂતાઈને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY27) માટે ભારતની જીડીપી (GDP) વૃદ્ધિ દરનું અનુમાન ૬.૬% થી વધારીને ૭.૧% કરી દીધું છે.
વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલા તાજા ‘ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ’ રિપોર્ટ અનુસાર, દેશમાં મજબૂત સ્થાનિક માંગ અને ઉત્તમ નિકાસ (એક્સપોર્ટ) આર્થિક વિકાસને વેગ આપી રહ્યા છે. આ અપગ્રેડ સાથે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પોતાની અગ્રેસર સ્થિતિ જાળવી રાખશે.
મુખ્ય હાઇલાઇટ્સ અને રિપોર્ટના અગત્યના મુદ્દાઓ:
-
મજબૂત આર્થિક ગ્રોથ: વૈશ્વિક બાહ્ય દબાણો છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ મધ્યમ ગાળાની વૃદ્ધિની મજબૂત સંભાવનાઓ દર્શાવી છે.
-
સંભવિત જોખમો: રિપોર્ટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, અલ નીનોની સંભવિત અસર અને શેરબજારના ઉતાર-ચઢાવ જેવા પરિબળો સામે ચેતવણી પણ આપવામાં આવી છે.
-
AI બનશે ગ્રોથનું નવું એન્જિન: ભારત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની તૈયારીમાં દુનિયાના ટોપ ૧૦ ઉભરતા બજારોમાં સામેલ છે. ભારતમાં પ્રાઈવેટ AI રોકાણ વર્ષ ૨૦૨૪ના ૧.૨ બિલિયન ડૉલરથી વધીને ૨૦૨૫માં ૪.૧ બિલિયન ડૉલર (ત્રણ ગણો વધારો) થઈ ગયું છે.
-
GCCમાં રોજગારી: ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs)માં કામ કરતા પ્રોફેશનલ્સની સંખ્યા ૨૦૨૪ના ૧.૯ મિલિયનથી વધીને ૨૦૨૫માં ૨.૩૬ મિલિયન પર પહોંચી છે.
વર્લ્ડ બેંકના મતે, AIનો મહત્તમ લાભ મેળવવા માટે પાયાની માળખાકીય સુવિધાઓને મજબૂત કરવી, બિઝનેસનું વાતાવરણ સુધારવું અને કર્મચારીઓને ભવિષ્યના ફેરફારો માટે સજ્જ કરવા જરૂરી બનશે.









