માતાનામઢમાં નવરાત્રી પહેલાં તૈયારીઓ અંતિમ તબક્કામાં:ભક્તો માટે 24 કલાક ભોજન-પ્રસાદ, ST વ્યવસ્થા, સાતમા નોરતે આખી રાત દર્શન
કચ્છના પવિત્ર યાત્રાધામ માતાનામઢ ખાતે આસો નવરાત્રી પર્વને લઈને માઈભક્તોની સુવિધા માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. માતા આશાપુરાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટનારા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર અને જાગીર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદયાત્રીઓ તેમજ વાહનો દ્વારા ભક્તોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે.
મુખ્ય વ્યવસ્થાઓ અને વિશેષતાઓ:
-
૨૪ કલાક ભોજન-પ્રસાદ: યાત્રિકોની સુવિધા માટે ૭ ઑક્ટોબરથી ૨૪ કલાક અવિરત ભોજન-પ્રસાદની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.
-
સાતમા નોરતે આખી રાત દર્શન: નવરાત્રીના સાતમા નોરતે ભક્તોની ભારે આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દરવાજા રાત્રે પણ ખુલ્લા રાખવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ આખી રાત દર્શનનો લાભ લઈ શકે. સામાન્ય દિવસોમાં સવારે ૫ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
-
પરિવહન અને કંટ્રોલ પોઈન્ટ: એસટી વિભાગ દ્વારા વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વિશેષ કંટ્રોલ પોઈન્ટ અને વાહનવ્યવહારનું સરળ સંચાલન ગોઠવવામાં આવ્યું છે.
-
વિશેષ યાત્રિક કેમ્પ: માતાનામઢથી અંદાજે એક કિલોમીટર દૂર પદયાત્રીઓ માટે સ્નાન, આરામ અને ભોજનની સુવિધા સભર વિશેષ કેમ્પ ઊભો કરાયો છે.
મંદિર પરિસરમાં ચાંદીની ગરબી, આભૂષણોની સફાઈ, મંડપ સજાવટ, અને લાઈટિંગની કામગીરી પૂર્ણતાના આરે છે, જેથી માઈભક્તોને દર્શનાર્થે કોઈ અગવડ ન પડે.









