દિલ્હીમાં 4 માળની જર્જરિત ઈમારત ધરાશાયી, સગર્ભા મહિલા સહિત 3 ના મોત, 11 લોકોનું રેસ્ક્યૂ
દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ હોનારત સર્જાઈ હતી. માત્ર ૨૫ વારના પ્લોટ પર બનેલી ચાર માળની જર્જરિત ઈમારત અચાનક પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈને રસ્તા પર ગડી પડી હતી. આ ભયાનક અકસ્માતમાં ગર્ભવતી મહિલા અને 2 બાળકો સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે મલબા નીચે દબાયેલા 11 લોકોને સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની મુખ્ય વિગતો અને રેસ્ક્યૂ ઓપરેશન:
-
રેસ્ક્યૂ કામગીરી: ઈમારત ધરાશાયી થવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડીસીપી આર. મીણાના જણાવ્યા અનુસાર, મલબા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક મોટું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
-
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા: કાટમાળમાંથી ઉગારેલા 11 ઈજાગ્રસ્તોમાં 3 વર્ષના બાળકના માતા-પિતા સહિત 56 વર્ષીય મોમિન મિર્ઝા, 28 વર્ષીય અબ્દુલ રહેમાન, 50 વર્ષીય સલમા અને અન્ય લોકોને રાજીવ ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
-
મૃતકોની માહિતી: આ દુર્ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 21 વર્ષીય ગુલફસા (જે ચાર મહિનાની ગર્ભવતી હતી), એક 12 વર્ષની બાળકી અને અન્ય એક બાળકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને કારણે સીમાપુરી ગોળ ચક્કર અને ડીએલએફ ભોપુરા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ગેરકાયદેસર અને જર્જરિત બાંધકામો સામે સવાલો:
ગયા મહિને દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં 5 માળની પીજી ઈમારત ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા, ત્યારબાદ દિલ્હી સરકારે જૂની ઈમારતોના સ્ટ્રક્ચરલ ઓડિટ અને અનધિકૃત બાંધકામો સીલ કરવાના આદેશ આપ્યા હતા. તેમ છતાં સીમાપુરીની આ ઘટનાએ દિલ્હીમાં નબળા અને ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની નિષ્ક્રિયતા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડકું કરી દીધું છે.









